આટકોટ રોડ ઉપર રાધેશ્યામનગરમાં રહેતા સુનિલભાઇ સાંગડિયા (ઉ.વ.35)ની અજાણ્યા તસ્કર સામે ફરિયાદ : માતા સત્સંગમાં ગયા હોય ત્યારે મુખ્ય દરવાજો બંધ કર્યો હોય તે ખોલી ઘરમાં પ્રવેશ કરી ત્રણેય પુત્રોના દરવાજા બારથી બંધ કરી દીધા’તા
(આઝાદ સદેશ), રાજકોટ : જસદણમાં પ્લમ્બરના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ ફક્ત 45 મીનીટમાં રૂ.5.10 લાખની મતાની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. વ્હેલી સવારે 5 વાગ્યે પરીવાર સૂતો હતો અને માતા રૂમને બંધ કરી સત્સંગમાં ગયેલ બાદ ત્રાટકેલા તસ્કરે પુત્રોના ત્રણ રૂમના આગળીયા બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, જસદણમાં આટકોટ રોડ પર રાધેશ્યામ નગરમાં રહેતાં સુનીલભાઇ પ્રભુભાઇ સાંગડીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પ્લમ્બર કામની મજુરી કામ કરે છે. પરીવારમાં ત્રણ ભાઈઓ છે અને તેઓને સંતાનમાં એક દીકરો છે. તેઓ પત્ની કાજલ, નાનો ભાઈ સંજય તેના પત્ની, નાનો ભાઈ મનોજ અને માતા સુધાબેન સાથે સંયુકતમાં રહે છે. મકાનમાં બે રૂમ નીચે અને બે રૂમ ઉપરના માળે છે.
તા.04/02/2025 ના રાત્રિના પરીવારના તમામ સભ્યો રાત્રિના સુઇ ગયેલ હતા. ત્યારે તા.05 ના વહેલી સવારના સાડા પાંચ વાગ્યે મારા પત્નીના ફોનમાં તેમના ભાઈ સંજયની પત્નીનો ફોન આવેલ કે, રૂમનો દરવાજો ખોલો બહારથી આંગળીયો બંધ છે.
જેથી તેણીએ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરેલ તો તેમના રૂમનો આંગળીયો બહારથી બંધ હતો. જેથી તેઓના પત્ની નવેરીમાં દરવાજો પડે છે ત્યાથી બાજુના નાના ભાઈના રૂમમાં ગયેલ તો તેનો રૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો.
બાદમાં તેઓએ નવેરામાં ઉભા રહી શેરીમાંથી નીકળેલ છોકરાને બોલાવી નીચેના રૂમનો દરવાજો ખોલેલ અને બધા નીચે આવેલ તો તેમના માતા દરરોજ પાંચ વાગ્યે ગીતાનગરમાં બ્રહ્માકુમારી સત્સંગ કરવા માટે જાય છે જેથી તેઓ હાજર હતા નહી અને તેમના રૂમનો દરવાજો ખુલ્લો હતો. રૂમનો સામાન વેરવીખેર પડેલ હતો અને તીજોરીનો દરવાજો બેવડો વળેલ તેમજ તીજોરી ખુલ્લી હતી.
તીજોરીમાં અંદર નાની તીજોરી રૂમમાં નીચે પડેલ હતી. તેમાં જોયુ તો પરીવારના સોનાના દાગીના રાખેલ હતા તે જોવામાં આવેલ નહી, બાદમાં તેઓના માતા આવતાં કહેલ કે, હુ પાંચ વાગ્યે ઘરેથી ચાલીને નીકળેલ ત્યારે બહાર ના દરવાજે તાળુ મારીને ગયેલ હતી અને મારા રૂમને આગળીયો દીધેલ હતો.બાદમાં બહારના દરવાજે જોયેલ તો દરવાજાનો નકુચો તુટેલ અને તાળુ દુર પડેલ હતુ જેથી રૂમમાં તીજોરીમાં રાખેલ સોનાના બે હાર, સોનાની વિંટી 11 તેમજ તિજોરીમાં રહેલ રોકડ રૂ.10 હજાર મળી કુલ રૂ.5.10 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી 45 મિનિટમાં ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઈ ટી.બી.જાની અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.