પંચેશ્ર્વર ટાવર વિસ્તારની ઘટના : ત્રણેય શખસોના રિમાન્ડ મેળવવા તજવીજ
(આઝાદ સંદેશ),રાજકોટ: જામનગરમાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતીને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેઇલ કર્યા પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચર્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર જાગી છે. પંચેશ્ર્વર ટાવરના ફ્લેટમાં તથા મોટા થાવરીયાના ફાર્મહાઉસમાં એકથી વધુ વખત ગેંગરેપ ગુજાર્યાનું સામે આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી છે.
મળતી માહિતી મુજબ જામનગરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ કે જેણે પોતાના મકાનમાં એક યુવતીને ઘરકામ માટે બોલાવી હતી. ત્યારબાદ બાથરૂમમાં ન્હાતી વખતે કોઇપણ રીતે યુવતીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા હતા. જે ફોટાના આધારે પોતે બ્લેકમેઇલ કરતો હતો અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ વધુ બ્લેકમેઇલ કરીને પોતાના અન્ય બે સાગરીતો આમીરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાર કે જે બંન્નેએ પણ યુવતી સાથે ગેંગરેપ આચર્યો હતો. જે અંગેની પોલીસને જાણકારી મળતા સીટી ડીવાયએસપી જે.એન.ઝાલા તેમજ સીટી એ ડિવીઝનના પીઆઇ એન.એ.ચાવડા કે જેઓ તાબડતોબ બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાંથી ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે આરોપીઓ હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો હમીરખાન અને ફૈઝલ દરવાનની અટકાયત કરી લીધી હતી. જે ત્રણેય આરોપીઓને સીટી એે ડિવીઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા અને ત્રણેની ઘનિષ્ઠ પુછપરછ કરતા ભોગ બનનાર યુવતીને મોટા થાવરીયા ગામે આવેલા પોતાના ફાર્મહાઉસમાં પણ એકથી વધુ વખત યુવતી સાથે ગેંગરેપ ગુર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંન્ને સ્થળનું પંચનામુ કર્યું છે ભોગ બનનાર યુવતીને તબીબી ચકાસણી માટે જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી હતી. મહત્વનું છે કે, ગેંગરેપના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકીના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખની પોલીસ દ્વારા વધુ પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય સુત્રધાર હુસેન અગાઉ હથિયાર તેમજ નશીલા પદાર્થના ગુનામાં પણ પકડાઇ ચુક્યો છે અને સીટી એ-ડિવીઝન પોલીસ મથકમાં તેની સામે અલગ અલગ બે ગુના નોંધા ચુક્યા છે. હાલ ત્રણેય આરોપીઓને સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ પુછપરછ ચલાવવામાં આવી રહી છે.