12 પ્રકારની બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ ઓઇલ બોટલમાં લુઝ ઓઇલ નાખી વેચાણ કરતા’તા : બે શખસોની રૂ.23 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
(આઝાદ સંદેશ),રાજકોટ: ટંકારા નજીકના લઇજા ગામમાંથી એસએમસીએ ડુપ્લીકેટ એન્જીન ઓઇલની ફેક્ટરી ઝડપી પાડી તેના બંન્ને ભાગીદારોની ધરપકડ કરી છે. ફેક્ટરીમાંથી એસએમસીએ રૂા.17.19 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. છેલ્લા ચારેક માસથી આ ફેક્ટરીમાં ચારેક બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ એન્જીન ઓઇલનું પેકીંગ કરી વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં હાલ નકલીની બોલબાલા વધી ગઇ છે. આ સ્થિતિમાં હવે નકલી એન્જીન ઓઇલની ફેક્ટરી પકડાતા ચર્ચા જાગી છે. એસએમસીને મળેલી બાતમીના આધારે ટંકારાના લજાઇ ગામની સીમમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરીયાના ગોડાઉનમાં નકલી એન્જીન ઓઇલની ફેક્ટરી ધમધમે છે. જેના આધારે પીએસઆઇ એ.વી.પટેલે સ્ટાફ સાથે દરોડો પાડી ફેક્ટરીમાંથી 21,488 લીટર ડુપ્લીકેટ એન્જીન ઓઇલ મળી આવ્યું હતું. એસએમસીએ તેની કિંમત રૂા.17.19 લાખ ગણી હતી. આ ઉપરાંત બે મોબાઇલ, એક વાહન, રોકડા રૂા.5200, 3 પ્રીન્ટીંગ મશીન, મોટર, બલ્ટ મશીન, ઇલેક્ટ્રીક વજન કાંટો, સિલીંગ મશીન, ઓઇલ ફિલીંગ મશીન, બોટલ સીલીંગ મશીન, ઓઇલ બેરલો વગેરે મળી કુલ રૂા.23.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ફેક્ટરીમાંથી જ તેના બે ભાગીદાર મેહુલ નરેન્દ્ર ઠક્કર અને અરૂણ ગણેશભાઇ કુંડારીયાની ધરપકડ કરી હતી. એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવ્યું કે, આ સ્થળે છેલ્લા ચારેક માસથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલની ફેક્ટરી ચાલુ હોવાની માહિતી મળી છે. ફેક્ટરીમાં મેક્સ, સર્વો, ગલ્ફ અને હીરો સહીતની ચાર બ્રાંડનું ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવાતું હતું. આરોપીઓ મોટા બેરલમાં લુઝ ઓઇલ લઇ આવી બ્રાન્ડેડ ઓઇલના 900 એમએલના ડબ્બામાં પેક કરી તેનું વેચાણ કરતા હતા. બંન્ને આરોપીઓ ડુપ્લીકેટ એન્જીન ઓઇલ ક્યાં વિસ્તારમાં અને ક્યાં ક્યાં વેપારીઓને સપ્લાય કરતા હતા તે બાબતે હવે તપાસ કરાશે. ટંકારા પોલીસને ઉંઘતી રાખી એસએમસીએ આ કાર્યવાહી કરી હતી. જે અંગે ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો છે. ઉલ્લેખનીય છે કે ડુપ્લીકેટ એન્જીન ઓઇલને કારણે વાહનોના એન્જીનને મોટાપાયે નુક્સાની થાય છે.