શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમારવાડી કોલેજમાં 19 વર્ષના વધુ એક વિદ્યાર્થીનો આપઘાત

મારવાડી કોલેજમાં 19 વર્ષના વધુ એક વિદ્યાર્થીનો આપઘાત

મુળ આંધ્રપ્રદેશનો વતની અને હાલ યુનિવર્સિટીમાં કોમ્‍પ્‍યુટર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતો ગંદામ હેમંત જીસીતારામ પ્રસાદ સવારે અભ્‍યાસ માટે આવ્‍યા બાદ અગમ્ય કારણોસર બિલ્ડીંગના ચોથા માળે પહોંચી પડતું મૂક્યું’તું : આત્‍મહત્‍યાનું કારણ શોધવા કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ : રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં આજે આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આંધ્રપ્રદેશના ૧૯ વર્ષના એક વિદ્યાર્થીએ કોલેજ બિલ્‍ડીંગના ચોથા માળેથી કૂદીને મોત મેળવી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ છાત્ર કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગમાં અભ્‍યાસ કરતો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ મારવાડી કોલેજના બિલ્‍ડીંગમાં ચોથા માળેથી સવારે એક વિદ્યાર્થીએ પડતું મુકતાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં સિક્‍યુરીટી સ્‍ટાફ અને બીજા કર્મચારીઓ દોડી ગયા હતાં. ૧૦૮ને જાણ થતાં ગાડી પહોંચી હતી. તેના તબિબે આ છાત્રને મૃત જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મોટી સંખ્‍યામાં છાત્રો, કર્મચારીઓ ભેગા થઇ ગયા હતાં. મારવાડી યુનિવર્સિટીના એક્‍ઝીક્‍યુટીવ રજીસ્‍ટ્રાર નિબીશ વર્ગીસ સહિતના પણ પહોંચ્‍યા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના સંજયભાઇ કુમારખાણીયા, મેહુલસિંહ સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ ગંદામ હેમંત જીસીતારામ પ્રસાદ (ઉ.વ.૧૯) હોવાનું અને તે આંધ્રપ્રદેશના વિજયવાડાનો વતની હોવાનું જણાવાયું હતું. તે મારવાડી કોલેજમાં હોસ્‍ટેલમાં રહેતો હતો અને અને કોલેજમાં કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતો હતો. સવારે તે નિત્‍યક્રમ મુજબ અભ્‍યાસ કરવા કોલેજ બિલ્‍ડીંગમાં આવ્‍યો હતો. બાદમાં ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. આ બનાવથી મારવાડી કેમ્‍પસમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મારવાડી યુનિવર્સિટીના એક્‍ઝીક્‍યુટીવ રજીસ્‍ટ્રાર નિબીશ વર્ગીસએ જણાવ્‍યું હતું કે આ વિદ્યાર્થી ભણવામાં ખુબ હોશીયાર હતો, તેને એકપણ બેકલોગ નહોતો. અમે છાત્રોને કોઇપણ તકલીફ હોય તો તુરંત અમારો સંપર્ક કરવા માટે ઇમર્જન્‍સી નંબર આપેલા છે. આ કિસ્‍સામાં આપઘાતનું કારણ હવે પોલીસ તપાસ પછી બહાર આવશે.

મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં આપઘાતની બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે ગયા શનીવારે ૧૯મીએ સવારે  હોસ્‍ટેલમાં રહેતી મુળ આંધ્રપ્રદેશની સોૈબર્નીકા વ્‍યંકટેશ અલ્લા (ઉ.વ. ૧૯) નામની છાત્રાએ હોસ્‍ટેલમાં એ-વિંગ૧૦મા માળે જઇ છલાંગ લગાવી દેઇ આપઘાત કરી લીધો હતો. આ છાત્રા પણ કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગ એઆઇમાં બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી હતી અને માતા પિતાની એકની એક દિકરી હતી. એ ઘટનામાં પણ કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. તેમજ તપાસ શરૂ હતી. જો કે છ દિવસ પછી પણ તેણીના આપઘાતનું કોઇ કારણ બહાર ન આવ્‍યું નહોતું. ત્‍યાં આજે બીજી એક ઘટનામાં આંધ્રપ્રદેશના જ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પીઆઇ એ. એન.જાનીની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા ઉપર કેમ્પન શરૂ કર્યું..!

મારવાડી કોલેજમાં સપ્તાહમાં આપઘાતની બીજી ઘટના સામે આવી છે. આજે પણ આંધ્રપ્રદેશના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. અગાઉ છ દિવસ પૂર્વે પણ આંધ્રની જ એક યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું ત્યારે હવે આ બીજી ઘટનાના પગલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આંધ્રના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા ઉપર કેમ્પન શરૂ કરવામાં આવ્યું છે. 

જેમાં આ મારો મિત્ર હેમંત છે (વિજયવાડાનો), જેણે મારવાડી યુનિવર્સિટીમાં આત્મહત્યા કરી લીધી.

અહીં સમસ્યા એ છે કે મારવાડી યુનિવર્સિટી હંમેશા નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ તેમની સિસ્ટમ વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખતી નથી. આ મહિનામાં જ આપણે હોસ્ટેલ અને હવે કોલેજમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ૨ ઘટનાઓ જોઈ છે!

નોંધ: જે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી અસ્થાયી રૂપે અટકાવવામાં આવ્યા છે અથવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેઓ આપણા રાજ્યની નજીકની અન્ય કોઈ યુનિવર્સિટીમાં જોડાઈ જાઓ! અને જેઓ અહીં જોડાવાનું વિચારી રહ્યા છે (તમારા ભાઈ-બહેનો માટે), કૃપા કરીને અહીં પ્રવેશ ન લો. આ સમગ્ર ઉત્તર વિસ્તારની સૌથી ખરાબ (બકવાસ) યુનિવર્સિટી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર