ગુરુવાર, જુલાઇ 9, 2026

ઈ-પેપર

ગુરુવાર, જુલાઇ 9, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયભારતમાં અઠવાડિયામાં માત્ર એકવાર લેવાતું ઇન્સ્યુલિન ઇન્જેક્શન લોન્ચ

ભારતમાં અઠવાડિયામાં માત્ર એકવાર લેવાતું ઇન્સ્યુલિન ઇન્જેક્શન લોન્ચ

દર્દીઓએ વર્ષમાં 365 ને બદલે માત્ર 52 ઇન્જેક્શન લેવા પડશે; રોજ ઇન્સ્યુલિન લેવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ

( આઝાદ સંદેશ) ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્કે ભારતમાં પુખ્ત ડાયાબિટીસના દર્દીઓ માટે એક મોટી રાહત આપી છે. કંપનીએ અવિકલી નામનું નવું બેઝલ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લોન્ચ કર્યું છે, જે અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાનું રહેશે. આધુનિક થેરાપી ધરાવતું આ ઇન્જેક્શન લોન્ચ કરનાર ભારત વિશ્વનો સાતમો દેશ બની ગયો છે. આ ઇન્જેક્શન 700 યુનિટ અને 2,100 યુનિટની બે પેનમાં ઉપલબ્ધ થશે, જેનો પ્રતિ યુનિટ ભાવ રૂ. 3.73 રાખવામાં આવ્યો છે.

નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રાંત શ્રોત્રિયે જણાવ્યું કે, સામાન્ય રીતે દર્દીઓને રોજ ઇન્સ્યુલિન લેવું પડતું હોવાથી તેઓ કંટાળીને કે ડરથી તે લેવાનું ટાળતા હોય છે. પરંતુ હવે ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓએ રોજની ઝંઝટમાંથી મુક્ત થઈને વર્ષમાં 365 ઇન્જેક્શનના બદલે માત્ર 52 ઇન્જેક્શન જ લેવા પડશે. આનાથી ઇન્સ્યુલિન લેવા અંગેનો માનસિક અને શારીરિક અવરોધ દૂર થશે અને દર્દીઓ વધુ સારી રીતે સુગર કંટ્રોલ કરી શકશે.

કંપનીના 4,500 ડિસ્ટ્રીબ્યુટર્સ મારફતે આ ઇન્જેક્શન સમગ્ર ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે, ભારતમાં હાલ 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે, ત્યારે આ નવી થેરાપી દર્દીઓના જીવનધોરણને સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે. અગાઉ ગત વર્ષે કંપનીએ વજન ઘટાડવા માટે પ્રખ્યાત ઓઝેમ્પિક પણ લોન્ચ કર્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર