રાજકોટ : રાજકોટ શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત યુનિવર્સિટી, ભક્તિનગર અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલો અને વાહન સહિત કુલ રૂ. ૮૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી એક વેપારી સહિત ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં યુનિવર્સિટી પોલીસના સ્ટાફે બાતમીના આધારે પ્રસિલ પાર્ક જવાના રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઈ-સ્કૂટર પર દારૂ લઈને નીકળેલા ભૌમિક રાજુલભાઈ ઉગ્રેજા (ઉ.વ.૩૧, રહે. દર્શીલ રો-હાઉસ, રેલનગર)ને રોકી તલાશી લેતા તેની પાસેથી દારૂના ૫ ચપલા અને ૬ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ તેમજ ઈ-સ્કૂટર મળી કુલ રૂ. ૮૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા દરોડામાં ભક્તિનગર પોલીસના સ્ટાફે કોઠારીયા રોડ નજીક આવેલી સોરઠીયાવાડી શેરી નંબર ૧૧ પાસેથી વિપુલ વલ્લભભાઈ વણપરીયા (ઉ.વ.૪૮, રહે. મેઘાણીનગર, કોઠારીયા રોડ) નામના વેપારીને દારૂની ૧ બોટલ સાથે ઝડપી લીધો હતો. વેપારી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રીજી કાર્યવાહીમાં તાલુકા પોલીસ સ્ટાફે વાવડી વિસ્તારમાં આવેલ પુનીતનગર મેઈન રોડ પરથી મહેશ ખીમજીભાઈ જાદવ (ઉ.વ.૩૯, રહે. ભારતનગર ટાઉનશીપ)ને દારૂની ૧ બોટલ સાથે પકડી પાડ્યો હતો. ત્રણેય કિસ્સામાં પોલીસે Prohibition Act હેઠળ ગુના નોંધી વધુ તપાસ ચલાવી છે.


