યુકેમાં બે બ્રિટીશ ભારતીય હસ્તીઓનું સન્માન છીનવી લેવામાં આવ્યું છે. રામી રેન્જર અને અનિલ ભનોટને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અનિલ ભનોતે વર્ષ 2021 માં બાંગ્લાદેશી હિન્દુઓ પર થયેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે જ રામી રેન્જરે પીએમ મોદી પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીની ટીકા કરી હતી.
યુકેમાં બ્રિટીશ ભારતીય સમુદાયની બે અગ્રણી વ્યક્તિઓને તેમના હોદ્દા પરથી છીનવી લેવામાં આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય રામી રેન્જર અને હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટનું સન્માન છીનવી લેવામાં આવ્યું છે. કરોડપતિ રામી રેન્જરને સીબીઇ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર)ના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ અનિલ ભનોટને ઓબીઇ (ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર)ના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
આ પછી, બંને સેલિબ્રિટીઝને બકિંગહામ પેલેસમાં પોતાનું ચિહ્ન પાછું આપવાનું કહેવામાં આવશે. અનિલ ભનોટને સમુદાયની એકતાને પ્રોત્સાહન આપવા બદલ ઓબીઇનું પદ આપવામાં આવ્યું હતું. તેમણે આ પદ ગુમાવવાનું કારણ જણાવતા કહ્યું કે, તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ઇસ્લામોફોબિયાનો આરોપ છે.
અનિલ ભનોટ પર શું છે આરોપ?
અનિલ ભનોતે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અંગે પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટ પર ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે તેમણે કહ્યું હતું કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ચેરિટી કમિશને તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધારે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હોવા છતાં જપ્તી સમિતિને કોણે જાણ કરી હતી તેની તેમને ખબર નથી.
રામી રેન્જર સામે શું છે આરોપ?
રામી રેન્જરની ફરિયાદ છે કે બીબીસીની ડોક્યુમેન્ટરી “ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન” પ્રકાશિત થઇ ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બચાવમાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટરીની ટીકા કરી હતી. ભારતમાં પ્રતિબંધિત અમેરિકા સ્થિત જૂથ શીખ્સ ફોર જસ્ટિસ અંગે પણ આરોપ છે. તેમની સામેની બીજી ફરિયાદ સાઉથહોલ ગુરુદ્વારાના ટ્રસ્ટી વિશે તેમણે કરેલી ટિપ્પણીથી સંબંધિત છે.
અનિલ ભનોતે ફરિયાદો અંગે શું કહ્યું?
અનિલ ભનોતે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. “જ્યારે બાંગ્લાદેશમાં મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા અને હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે બીબીસીએ તેને આવરી લીધું ન હતું અને મને લાગ્યું હતું કે કોઈએ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. મેં કશું ખોટું કર્યું નથી અને મેં ઓનર્સ સિસ્ટમને બદનામ કરી નથી. “ઇંગ્લેંડમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ઇતિહાસ છે. મને એ વાતનું દુઃખ થાય છે.
રામી રેન્જર કાયદાકીય કાર્યવાહી કરશે
રામી રેન્જરને ૨૦૧૬ માં સીબીઇ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેમને બ્રિટિશ બિઝનેસ એન્ડ કમ્યુનિટી સર્વિસ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. રેન્જરે જણાવ્યું હતું કે, “મને સીબીઇના પદની પરવા નથી, પરંતુ મને લાગે છે કે વાણીની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવ્યો છે અને તેઓ હવે ખોટા લોકોનું સન્માન કરી રહ્યા છે.” આ સાથે જ રામી રેન્જરે કહ્યું કે, તેઓ આ મામલે કાયદાકીય મદદ લેશે અને તેમણે તેઓ ન્યાયિક સમીક્ષા હાથ ધરવાની અને આ કેસને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સમાં લઈ જવાની યોજના બનાવી રહ્યા છે.