જમીન માલિક ભાઇઓ અને પૂર્વ ચીફ ફાયર ઓફીસરની હાઇકોર્ટમાં જામીન અરજી
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં 5 માસ પુર્વે લાગેલી આગમાં 27 નિર્દોષના મોત નીપજ્યા હતા. આ પ્રકરણમાં હાલના મનપા કમિશ્ર્નરને હાઇકોર્ટમાં રજુ કરેલું 2000 પાનાનું એફીડેવીટ પરત ખેચી લીધા બાદ હાઇકોર્ટે મનપાના બે પુર્વ કમિશ્ર્નરને એફીડેવીટ રજુ કરવા આદેશ કર્યો છે. આ કેસમાં પકડાયેલ બે જમીન માલિક અને પુર્વ ચીફ ફાયર ઓફીસરે હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. જ્યારે મુખ્ય કેસમાં 9 આરોપીને 8 નવેમ્બર સુધીમાં વકીલ રોકવા તાકીદ કરી છે.
રાજકોટમાં તા.25-5ના રોજ સર્જાયેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં થયેલ સુઓમોટો કાર્યવાહીમાં હાઇકોર્ટે મનપાના બે પુર્વ કમિશ્ર્નર અમીત અરોરા અને આનંદ પટેલને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. હાઇકોર્ટના આકરા વલણથી હાલના કમિશ્ર્નરે રજૂ કરેલ એફીડેવીટ પરત ખેચવું પડયું હતું. આ ઉપરાંત મુખ્ય કેસની આજે સુનાવણી હોય જેમાં જમીન માલીક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મનપાના પુર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપીઓ મુકેશ મકવાણા, ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેર, સંચાલક ધવલ ઠક્કરના વકીલ હાજર રહ્યા હતા. જ્યારે 9 પૈકી એક આરોપીએ લીગલમાંથી વકીલ ફાળવવા માંગણી કરી હતી અન્ય 8 આરોપીઓને 8 નવેમ્બર સુધીમાં વકીલ રોકવા કડક સુચના આપવામાં આવી હતી. જો 8 તારીખ સુધીમાં વકીલ નહીં રોકે તો લીગલમાંથી વકીલ ફાળવી કેસ ચલાવવામાં આવશે તેવું જણાવી દેવામાં આવ્યું છે. આ કેસમાં પકડાયેલ અને સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી નામંજુર થઇ છે તેવા બે જમીન માલિક અને પુર્વ ચીફ ફાયર ઓફીસરે જેલ મુક્ત થવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં અશોકસિંહ જાડેજા અને ઇલેશ ખેરની જામીન અરજી અંગે આજે અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી અંગે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 મહીના પુર્વે બનાવમાં હજુ કાનુની દાવપેચ ચાલી રહ્યા છે ત્યારે આ કેસની વધુ સુનાવણી 8 નવેમ્બરના રોજ યોજાનાર છે.