જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળતા હલચલ મચી ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે ખુલ્લા વાડી-વિસ્તારો અને ખેતરો પાસે સિંહ નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
સિંહના આંટાફેરાને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. રાત્રિના સમયે પશુઓને બહાર બાંધવામાં અને ખેતરમાં જવા અંગે લોકો ડર અનુભવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કેટલાક લોકોએ સિંહને નજરે જોયાની માહિતી પણ આપી છે.
આ મામલે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. વન અધિકારીઓ દ્વારા સિંહનું લોકેશન ટ્રેક કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વન વિભાગે જણાવ્યું છે કે સિંહને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેતી રાખવા, રાત્રિના સમયે બહાર ન નીકળવા અને કોઈપણ સંજોગોમાં સિંહ સાથે સંપર્ક ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.


