નરેન્દ્રસિંહ જાડેજા પોલીસ પરિવારની બાળકીઓને રમાડવાના બહાને ક્લોધિંગ સ્ટોરમાં લઈ જઈ ખરાબ હરકતો કરતો’તો : બળકીઓના પાલક દાદા સમક્ષ ખુલાસા બાદ મામલો પ્રકાશમાં આવ્યો : બે અલગ-અલગ ફરિયાદો નોંધાતા ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ
રાજકોટ : રાજકોટના ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ 13 કેમ્પમાં ફરજ બજાવતા એએસઆઈ નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામે બાળકીઓ સાથે અયોગ્ય વર્તન અને બીભત્સ વીડિયો બતાવવા અંગેની બે ફરિયાદો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ પરિવારની બાળકીઓને રમાડવાના બહાને ક્લોધિંગ સ્ટોરમાં લઈ જઈ અડપલાં કર્યા હોવાના આક્ષેપ સાથે નોંધાયેલી ફરિયાદો બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. આ મામલે ઘંટેશ્વર એસઆરપી કેમ્પના કમાન્ડન્ટને પણ જાણ કરવામાં આવી છે અને કાયદેસરની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો પૈકી એક ફરિયાદ રાજકોટ એસઆરપીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને આરોપી દર્શાવવામાં આવ્યા છે. જ્યારે બીજી ફરિયાદ પણ એસઆરપીમાં ફરજ બજાવતા પરિવારની બાળકી સાથે થયેલા અયોગ્ય વર્તન સંદર્ભે નોંધાઈ છે. બંને કિસ્સામાં પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુના નોંધી પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને કેમ્પના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર કરી આગળની ખાતાકીય તથા કાયદાકીય કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.
17 નવેમ્બરના રોજ પોલીસ પરિવારની બાળકી ઘર નજીક રમી રહી હતી, ત્યારે તેનો ઉછેર કરતા પાલક દાદા ઘરે આવ્યા હતા. ઘર પાસે રસ્તામાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજાને જોતા જ બાળકીના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો અને તે ગભરાઈ ગઈ હતી. બાળકીની બદલાયેલી સ્થિતિ જોઈ પાલક દાદાએ પ્રેમથી પૂછપરછ કરતા અગાઉ આરોપીએ કરેલા અયોગ્ય વર્તન અંગે બાળકીએ જણાવ્યું હતું. આ અંગે પાલક દાદાએ તુરંત બાળકીની પોલીસકર્મી માતાને જાણ કરતા માતા આરોપીના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના ઉપરાંત એસઆરપી કેમ્પમાં રહેતા અન્ય એક પરિવારની બાળકી સાથે પણ આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ આરોપી નરેન્દ્રસિંહ જાડેજાની દીકરી ઘરે ટ્યુશન કરાવતી હોવાથી ત્યાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિની સાથે પણ આરોપીએ અડપલાં કર્યા હોવાની બાબત પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિત બાળકીના પરિવારે પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પહોંચી આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે, જેના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


