રાજકોટ રૂરલ એલસીબી અને ધોરાજી પોલીસની સફળ કામગીરી: કુલ રૂ.૫.૫૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકાના મોટા દડવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને પકડી પાડ્યા છે. આ ઉપરાંત, ધોરાજીના ભૂતવડ ગામમાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા ચાર શખ્સોને પણ સ્થાનિક પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધા છે.
મળતી વિગતો અનુસાર, ગોંડલના મોટા દડવા ગામની સીમમાં આવેલી લાલજી ઉર્ફે લાલો સામતભાઈ સુમરાની વાડીની ઓરડીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ગ્રામ્ય એલસીબીને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિતનો મોટો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટા દડવા દરોડામાંથી પોલીસે ₹૭૨,૦૦૦ની રોકડ, ₹૬૦,૫૦૦ની કિંમતના ૮ નંગ મોબાઈલ ફોન તથા ₹૪,૧૦,૦૦૦ની કિંમતના ૪ નંગ વાહનો મળી કુલ ₹૫,૪૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં લાલજી સુમરા, મનોહરસિંહ જાડેજા, ભરત નિમાવત, મસા મેવાડા, જયપાલસિંહ જાડેજા, રમેશગિરી ગોસ્વામી અને સુખાભાઈ પીલુકિયાનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ જે.પી. રાવ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જુગાર અંગેના બીજા દરોડામાં, ધોરાજી તાલુકા પોલીસે ભૂતવડ ગામમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગામમાં જાહેરમાં પત્તા ટીચતા મંગા ભાલુભાઈ જાસકણીયા, પ્રવીણ ધીરૂભાઈ બારૈયા, અરવીંદ કાનાભાઈ બારૈયા અને મનસુખ હંસરાજભાઈ બારૈયાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી ₹૧૦,૨૭૦ની રોકડ રકમ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
આમ, રાજકોટ ગ્રામ્ય પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને કુલ ૧૧ શખ્સોની ધરપકડ કરી છે અને ₹૫.૫૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફાળ પડી છે.


