મંગળવાર, સપ્ટેમ્બર 29, 2026

ઈ-પેપર

મંગળવાર, સપ્ટેમ્બર 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયહિમાચલ પ્રદેશમાં શિયાળાએ વહેલી દસ્તક દીધી, પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ

હિમાચલ પ્રદેશમાં શિયાળાએ વહેલી દસ્તક દીધી, પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ

કિન્નૌર, લાહૌલ-સ્પીતિ અને કુલ્લુના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડીનું મોજું : કલ્પામાં 18 વર્ષ બાદ સપ્ટેમ્બરનું સૌથી નીચું 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : સપ્ટેમ્બર મહિનો વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હવામાનમાં આવેલા અચાનક પલટાથી શિયાળાની વહેલી દસ્તક દીધી હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારથી જ લોકોને ઓક્ટોબર અને નવેમ્બર મહિના જેવી કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ઊંચા પર્વતીય શિખરો પર છવાયેલી બરફની સફેદ ચાદર, નીચાણવાળા વિસ્તારોમાં થયેલો વરસાદ અને ફૂંકાઈ રહેલા ઠંડા પવનોએ સમગ્ર પ્રદેશનું વાતાવરણ બદલી નાખ્યું છે.મહત્વનું છે કે, તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી ગગડી જતા કલ્પામાં 18 વર્ષ બાદ સપ્ટેમ્બરનું સૌથી નીચું 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઓણસાલ અલનીનોની અસરતળે દેશના અનેક રાજ્યોમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે તેવા સમયે જ હિમાચલ પ્રદેશમાં મોસમે મિજાજ બદલ્યો હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને હિમાચલના કિન્નૌર, લાહૌલ-સ્પીતિ અને કુલ્લુ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ, રાજધાની શિમલા સહિતના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદે વાતાવરણમાં ઠંડક અને ધ્રુજારી વધારી દીધી છે. જોકે, મંગળવારે રાજધાની શિમલામાં ઉઘાડ નીકળતા અને તડકો ખીલતા બરફથી ઢંકાયેલા પહાડો ચાંદીની જેમ ચમકી ઉઠ્યા હતા, જેનાથી રમણીય દ્રશ્યો સર્જાયા હતા.

સતત વરસાદ અને હિમવર્ષાના કારણે સમગ્ર રાજ્યમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ગયું છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, રવિવારે રાત્રે કિન્નૌરના કલ્પામાં છેલ્લા 18 વર્ષ બાદ સપ્ટેમ્બર મહિનાનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અગાઉ 24 સપ્ટેમ્બર, 2008ના રોજ કલ્પામાં રાત્રિનો પારો 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, ત્યારબાદ હવે 18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં સૌથી નીચું 4.4 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે. આમ, સપ્ટેમ્બરના અંતમાં જ હિમાચલના જનજીવન પર શિયાળાની અસર વર્તાવા લાગી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર