કલેકટર કચેરીનો દરવાજો બંધ કરવો પડ્યો, મૌન રેલી બહુમાળી ભવનથી નિકળી કલેકટર કચેરી આવી હતી : બાંધકામ ઉદ્યોગ વેન્ટિલેટર ઉપર, લાખો લોકોને જંત્રી કરશે બેઘર, પરવાનગીમાં રૂકાવટ… રાજકોટ ગુમાવશે વટ જેવા બેનરો સાથે લોકો ઉમટ્યાં
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આગામી એપ્રિલ મહિનાથી સુચિત જંત્રીનો અમલ કરાવવા બાબતે સરકાર મક્કમ છે તો બીજી તરફ રાજકોટમાં જંત્રીના ભાવ વધારો પરત ખેંચવા બિલ્ડર્સ એસોસિયેશન મેદાનમાં ઉતર્યું છે. આજરોજ રાજકોટ શહેરનાં બહુમાળી ભવન ખાતેથી રાજકોટ બિલ્ડર્સ એસો.ના પરેશભાઇ ગજેરાની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં બિલ્ડરો, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો સહિતના લોકો કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. હજ્જારોની સંખ્યામાં કલેકટર કચેરી ખાતે લોકો બેનર સાથે ઉમટી પડતાં એક તબક્કે કલેકટર કચેરીનું કમ્પાઉન્ડ પણ ટૂંકુ પડ્યું હતું. પાછળના દરવાજા સુધી બિલ્ડરો તેમજ આ ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો મૌન રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ આવ્યા હતા.
દરમિયાન રાજકોટ બિલ્ડર્સ એસોસિયેશનનાં પ્રમુખ પરેશભાઇ ગજેરા તેમજ તેમની સાથે અગ્રણી બિલ્ડરો કલેકટરને મળ્યા હતા અને વિસ્તૃત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ તબક્કે ઓફલાઇન હેતુફેર રીવાઇઝડ પ્લાન, બિનખેતી વિગેરે કાર્યવાહીની મંજૂરીમાં ઓછામાં ઓછો છ માસનો સમય લાગે છે તે બાબતે ઝડપી ઉકેલ લઇ શકે તેવા પગલાં લેવા પણ પરેશભાઇ ગજેરાએ કલેકટર પ્રભવ જોશીને જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપેલા આવેદનમાં મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, પ્લાનની મુશ્કેલીની વિગતો દર્શાવી હતી. અત્રે એ ઉલ્લેખનિય છે કે, જંત્રીના તોતિંગ ભાવ વધારા બાબતે રાજકોટના બાંધકામ ઉદ્યોગને અસરકર્તા મુદ્દાઓ બાબતે પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ તકે જણાવ્યું હતુ કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલા મહત્વનું સેકટર છે જેની સાથે 280થી વધુ નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે, રીયલ એસ્ટેટ સેકટરને રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે. દેશની અર્થવ્યવસ્થામાં મહત્વના ભાગનું યોગદાન આપતો બાંધકામ ઉદ્યોગ હાલમાં છેલ્લા ઘણા મહિનાથી અગમ્ય કારણોસર અને વચ્ચે ઉભી થયેલી અડચણને લીધે મૃત:પાય અવસ્થામાં આવી ગયો છે. બિલ્ડરના બિઝનેશને નીચેના મુદ્દાઓથી આવી પરિસ્થિતિ ઉભી થઇ છે જેમાં મુખ્યત્વે જંત્રીનો અવાસ્તવિક અસહ્ય વધારો કે જેને લીધે બાંધકામ ઉદ્યોગ આજે મૃત:પાય અવસ્થામાં જઇ રહ્યો છે જેને લીધે જંત્રીનો વધારો કોઇપણ સંજોગોમાં સ્વિકાર્ય થઇ શકે તેમ નથી. જંત્રીને લીધે નવી શરતની જમીન બિનખેતી કરવા માટે ભરવું પડતું પ્રીમિયમનો બોજો, નવી જંત્રીને લીધે પેઇડ એફ.એસ.આઇ.ની રકમમાં આવતો અસહ્ય વધારો , દસ્તાવેજ માટે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો તેમજ જી.એસ.ટી.ની રકમમાં વધારો થાય આ તમામની મોટી અસર સામાન્ય નાગરિકો દ્વારા ખરીદ કરવામાં આવતા ફલેટ અથવા તો ટેનામેન્ટની કિંમત ઉપર સીધી જ પડે છે. તદ ઉપરાંત પ્લાન પાસ કરવા માટે જરુરી ફાયર એનઓસી આપવામાં આવતા નથી. કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે જરૂરી ફાયર એનઓસી પણ આપવામાં આવતા નથી, ટી.પી. સ્કિમ હેઠળ લાગુ પડતી 40%ની કપાત, કોઇ અગમ્ય કારણોસર રાજકોટમાં નવા પેન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ લાંબા સમયથી આપવામાં આવતા નથી આવા અનેક પ્રશ્ર્નો બાબતે કલેકટરને રજૂઆતો કરવામાં આવી હતી.
ઓફલાઇન હેતુફેર, રીવાઇઝ પ્લાન બિનખેતી વિગેરે કાર્યવાહીમાં સક્ષમ મામલતદાર, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, લોકલ ઓથોરિટી (આરએસી-રૂડા), નગર નિયોજક વિગેરેના તમામના અભિપ્રાય અર્થે બિનજરૂરી મોકલવામાં આવે છે જેથી પ્રક્રિયાઓ લંબાઇ છે અને ખર્ચાળ બને છે જેથી માત્ર જરૂરી અભિપ્રાય અર્થે જ સમક્ષ કચેરીએ મોકલવા બાબતે વિચારણા કરી ફેરફાર કરવો તેવી માંગ કરી હતી. ઓનલાઇન બિનખેતી પ્રક્રિયામાં પીએસઓ ગાંધીનગર તરફથી કોઇ અભિપ્રાય લેવા જણાવેલ ન હોવા છતાં અરજીના 30-35 દિવસ બાદ મામલતદાર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, લોકલ ઓથોરિટી (આરએમસી-રૂડા), નગર નિયોજક વિગેરેને ગુગલ મેપ, સ્થળે રોજકામ, ખેડૂત ખરાઇ, ક્ષેત્રફળના મેળવણા, ઉતરોત્તર તબદિલી અંગે સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરવા, ઝોનિંગ, કોર્ટ કેસ, આઇઆરસીએમએસ પોર્ટલ પર ચકાસણી વિગેરે જેવી બાબતોએ પત્રો લખીને અભિપ્રાય મંગાવવામાં આવે છે જે કાર્યવાહીઓ બંધ કરવી. સરકારના તા. 12-12-2018ના રોજના પરિપત્ર મુજબ માત્રરેકર્ડ આધારિત બિનખેતી કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવેલ હોવા છતાં માત્રને માત્ર રાજકોટ જિલ્લામાં બિનખેતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે અભિપ્રાયો અને કવેરીઓનો મારો ચલાવી લંબાવવામાં આવે છે જેમાં જરૂરી ફેરફાર અનિવાર્ય છે તેમ કલેકટરને રજૂઆત દરમિયાન પરેશ ગજેરાએ ઉમેર્યું હતું. આ તબક્કે પ્રમુખ પરેશ ગજેરા, ચેરમેન અમિત ત્રાંબડિયા, મંત્રી સુજીત ઉદાણી સહિતના બિલ્ડર્સ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બાંધકામ પૂર્વે કોર્પોરેશનમાં પ્લાન પાસથી માંડી ફાયર એનઓસી સહિતની અનેક સમસ્યાનું નિરાકરણ લાવો
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણાં સમયથી કાયમી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે જેને હિસાબે પ્લાન પાસ કરવા માટે જરૂરી પ્રિ-ફાયર એનઓસી તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે જરૂરી અંતિમ ફાયર એનઓસી આપવામાં આવતા નથી. આને લીધે રાજકોટ મ્યુનિ. કોર્પો.માં તેમજ રૂડામાં પ્લાન પાસ કરવાની અને તૈયાર એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા ઓખંભે ચડી ગયેલ છે જેનો ભોગ બુકિંગ કરાયેલ સામાન્ય પ્રજા બનેલ છે અને સામાન્ય પ્રજામાં સરકારને સામાન્ય પ્રજાની કંઇ પડી નથી તેવી છાપ પડી રહી છે. રાજકોટમાં છેલ્લા છ માસમાં કોર્પોરેશનની ટીપી શાખામાંથી અનુભવી કર્મચારીની અન્ય શાખામાં બદલી કરી ટીપી શાખામાં બિનઅનુભવી કર્મચારીની નિમણૂંક કરવામાં આવેલ છે જેને લીધે અગાઉ પ્લાન મંજૂર કરવા માટે લાગતા સમય કરતા હાલમાં છગણો સમય લાગે છે તેમજ અમુક સંજોગોમાં તો છેલ્લા ઘણાં સમયથી પ્લાન પણ પાસ થયેલ નથી. કોઇ અગમ્ય કારણોસર રાજકોટમાં કોર્પોરેશન દ્વારા કે રૂડા દ્વારા નિયુકત અધિકારીઓ દ્વારા નવા પ્લાન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ લાંબા સમયથી આપવામાં આવતા નથી જેની અસર રાજકોટ જિલ્લાના વિકાસ ઉપર પડેલ છે તેમજ સામાન્ય પ્રજાની હેરાનગતિ વધતી જાય છે. ડ્રાફટ ટી.પી. સ્કિમમાં એફ.પી.નો અભિપ્રાય ટીપીઓ દ્વારા આપવામાં આવેલ છે. તાર્કિક રીતે ટીપીઓ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાયને ટીપી સ્કિમ ફાયનલ કરવામાં આવે ત્યારે ધ્યાને લઇ ટીપી સ્કિમ ફાયનલ થવી જોઇએ. પરંતુ આ અભિપ્રાય ટીપીઓ દ્વારા એક વર્ષની મુદ્દત માટે આપવામાં આવે છે જેને લઇને ટીપી સ્કિમ ફાયનલ કરતી વખતે વિસંગતતા ઉભી થાય છે તો આ બાબતને ધ્યાને લઇ ટીપીઓ દ્વારા આપેલ અભિપ્રાયને મુદ્દતી ન ગણતા આખરી ગણી ટીપી સ્કિમ ફાયનલ કરવા અંગેની સુચના આપવી જરૂરી રહે છે. ડ્રાફ્ટ ટી.પી. ફાયનલ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવે તે પહેલાં કબજા રોજકામ કરવામાં આવે છે તે સમયે રોડ, રિઝર્વેશન વિગેરે જો દબાણ મુકત હોય તો જ કબજા રોજકામ કરી ખુલ્લી જમીનનો કબજો લેવામાં આવે છે. ટી.પી. ફાયનલ કરવા માટેના પ્લાન થોડા અથવા ઘણા સમય પછી પણ મુકવામાં આવે ત્યારે ફરી વખત જે તે પ્લોટનું ડિમાર્કેશન તેમજ રિઝર્વેશન-રોડ વિગેરેની ચકાસણી કરવામાં આવે છે અને તે સમયે આ પ્લોટ, રોડ, રિઝર્વેશન કે જેનો કબજો સરકાર પક્ષે હોવા છતાં અને સરકાર પક્ષે કબજો સોંપી આપ્યા બાદ દબાણ આવે તો તે દબાણમુકત કરવાની જવાબદારી અરજદારની રહે છે તેવો આગ્રહ રાખવામાં આવે છે.