યુનિટી સિમેન્ટ કોલોનીમાં રહેતા સુત્રાપાડાના વતની નિલેશ વાજા (ઉ.વ.24) સાથે જમવા બેસેલા ગામના જ મિત્રને તે જમી લેશે કહેતાં જ સળિયો ઝીંકી દેવાયો : ગુનો નોંધાયો
(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલમાં યુનિટી સિમેન્ટ કોલોનીમાં જમવા મામલે ડખ્ખો થતાં મૂળ સુત્રાપાડાના વતની યુવાન પર તેના જ ગામના ત્રણ શખ્સોએ લોખંડના સળિયાથી હુમલો કરતાં યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે સુત્રાપાડાના પ્રશ્ર્નાવાડા ગામના વતની અને હાલ ગોંડલમાં આવેલ યુનિટી સિમેન્ટ કોલોનીની ઓરડીમાં રહેતાં નિલેશભાઈ અરજણભાઈ વાજા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હિંમત માધુ વાજા, ભરત માધુ વાજા, મન્ના પીઠા વાજા (રહે. યુનિટી સિમેન્ટ કોલોની, ગોંડલ) નું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે બીએનએસ એક્ટ 115(2), 117(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા. 01 ના રાત્રીના સમયે તે તેના ગામના હિંમતભાઈ તથા તેનો ભાઈ ભરત તેના કાકા મનાભાઈ સાથે તેની ઓરડીમાં જમવાનું બનાવી જમવા બેસેલ હતાં. તે દરમિયા તેઓ જમતા જમતા વાતો કરતા હોય ત્યારે હિંમતભાઈ જમતા ન હોય જેથી તેના ભાઈએ કહેલ કે, હિંમતને જમવાનું કહેવા છતા તે જમતો ન હતો.
જેથી ફરીયાદીએ કહેલ કે, આપણે જમી લ્યો તે તેની રીતે જમી લેશે, તો તેનો ભાઈ ભરત ઉશ્કેરાય ગયેલ અને ગાળો બોલવા લાગેલ હતો. યુવાને તે લોકોને સમજાવેલ તમે ગાળો બોલો નહીં, જેથી ઉશ્કેરાયેલા ભરતે એક લોખંડનો સળીયો લઈ આવેલ અને હુમલો કરી હાથમાં ઘા ઝીંકી દિધો હતો. તેમજ હિંમત તથા તેના કાકા મનાભાઈ જપાજપી કરવા લાગેલ હતાં. ત્યારે બંને પગ અને હાથમાં ફરીથી સળિયો મારી દીધેલ હતો. દરમિયાન ત્યાં હાજર લોકો દોડી આવી અને સમજાવી છુટા પડાવેલ હતાં. બાદમાં તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.