ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ રહેતા સાસુ-વહુને મુંબઇ સ્થિત પતિના મિત્રએ વોટસએપ કોલ કરી ધમકી આપતાં...

રાજકોટ રહેતા સાસુ-વહુને મુંબઇ સ્થિત પતિના મિત્રએ વોટસએપ કોલ કરી ધમકી આપતાં ફરિયાદ

અગાઉ રૂપિયા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી ધમકાવતા પ્રતિક ચોવટિયા સામે નોંધાયો ગુનો

(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરના રૈયા રોડ પરના હરિનગરમાં રહેતી મહિલાને તેના પતિના મુંબઇ રહેતા મિત્રએ અનેક વખત ફોન કરી તારા પતિને મારી નાખવો છે તેવી ધમકી આપી હતી અને મહિલાના પતિના ફોટા એડીટ કરી તેના સંબંધીઓને મોકલી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે યુનિ.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રૈયા રોડ પરના હરિનગરમાં આવેલા સનપ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા કૃતિબેન શ્યામભાઇ ભુત (ઉ.32)એ યુનિ.પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇના કાંદીવલીમાં રહેતા પ્રતિક ડાયા ચોટીયાનું નામ આપ્યું હતું. કૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા પોતે તેના પતિ તથા પુત્ર સાથે મુંબઇ ગયા હતા ત્યારે તેના પતિ શ્યામ ભુતના ધંધાકીય મિત્ર પ્રતિક ચોવટીયા સાથે પૈસાની લેતીદેતી બાબતે મુંબઇમાં માથાકુટ થઇ હતી અને પ્રતિકે શ્યામનો મોબાઇલ લઇ લીધો હતો. માથાકુટ થતા કૃતિબેન રાજકોટ આવી ગયા હતા જ્યારે પોલીસ ફરિયાદ કરવા માટે શ્યામ મુંબઇમાં રોકાયો હતો. 13 સપ્ટેમ્બર 2023થી કૃતિબેન રાજકોટમાં તેના સાસુ સસરા સાથે રહે છે. પ્રતિક ચોવટીયા અવાર નવાર કૃતિબેનને મેસેજ તેમજ વોઇસ મેસેજ કરી તારો પતિ ક્યાં છે તેવી પૃચ્છા કરતો હતો અને ધમકી આપતો હતો. પ્રતિકે વોટસએપ વોઇસ કોલ કરીને ધમકી આપી હતી કે ‘તું સફેદ સાડી લઇ રાખજે, તારા પતિનું તું ઘ્યાન રાખજે, ત્રણ કરોડ બગાડવા પડે તો બગાડીશ પણ તારા પતિ શ્યામને જીવતો નથી મુકવો જાનથી મારી નાખવો છે’ તેવી ધમકી આપતો હતો. પ્રતિક માત્ર કૃતિબેનને જ નહીં પરંતુ તેમના સાસુને પણ મેસેજ કરતો અને શ્યામને મારી નાખવાની ધમકી આપતો હતો. તે શ્યામના સંબંધીઓને મેસેજ મોકલીને બદનામ કરતો હતો એટલું જ નહીં કૃતિબેનના પુત્રને તેના સસરા સ્કૂલે મુકવા જતા હોય તેવા વીડિયો મોકલી ધમકાવતો હતો. લાંબા સમયથી પ્રતિક ચોવટીયા આ રીતે પરેશાન કરતો હોય કૃતિબેને અગાઉ બે વખત પોલીસમાં પ્રતિક ચોવટીયા સામે અરજી કરી હતી આમ છતાં તેનો ત્રાસ નહીં અટકતા અંતે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પ્રતિક ડાયા ચોવટીયા સામેે ગુનો નોંધી તેને પકડવાની કવાયત શરૂ કરી હતી. આરોપી પકડાયા બાદ મહિલાના પતિને રૂપિયા દેવાના થતા હતા કે પછી અન્ય કોઇ કારણો આ ઘટના પાછળ છે તે સહીતની વિગતો બહાર આવશે તેમ તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર