ગુરુવાર, ઓક્ટોબર 8, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓક્ટોબર 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ​સોશિયલ મીડિયા પર એડ જોયા બાદ સસ્તામાં આઈફોન ખરીદવાની લાલચે યુવકે...

રાજકોટમાં ​સોશિયલ મીડિયા પર એડ જોયા બાદ સસ્તામાં આઈફોન ખરીદવાની લાલચે યુવકે રૂ.75 હજાર ગુમાવ્યા

રાજકોટ : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર મળતી આકર્ષક અને સસ્તી ડીલ્સ ઘણીવાર મોટા ફ્રોડનું કારણ બનતી હોય છે. રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ ગોહેલ નામના યુવક સાથે સસ્તા ભાવે આઈફોન ખરીદવાના ચક્કરમાં રૂ. ૭૫,૫૦૦ની છેતરપિંડી થઈ છે. ફેસબુક પર સસ્તા આઈફોનની જાહેરાત જોઈને અમદાવાદ પહોંચેલા યુવક પાસેથી ક્યુઆર કોડ મારફતે પેમેન્ટ કરાવી લીધા બાદ ફોન આપ્યા વગર જ ઠગ મંડળી ફરાર થઈ ગઈ હતી. આ મામલે યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા ૨૪ વર્ષીય રાહુલ ગોહેલે આશરે એકાદ મહિના પહેલા આઈફોન ખરીદવાનું વિચાર્યું હતું. પરંતુ નવો ફોન બજેટ બહારનો જણાતા તેણે ઓનલાઈન સેકન્ડ હેન્ડ કે સસ્તા ફોનની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેના મોટાભાઈ મોહીતે ફેસબુક પર આઈફોનની એક આકર્ષક જાહેરાત જોઈ, જેમાં ફોનની કિંમત માત્ર રૂ. ૮૦,૦૦૦ દર્શાવવામાં આવી હતી. સસ્તા ભાવે ફોન મળતો હોવાથી તેમણે જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો.

મોબાઈલ પર વાતચીત કરતા સામે પક્ષે રહેલા ઠગે પોતાની ઓળખ જીગર તરીકે આપી હતી. તે સમયે તેણે સ્ટોકમાં ફોન હાજર ન હોવાનું જણાવી, નવો ફોન આવતા જ જાણ કરવાનું વચન આપ્યું હતું. બે દિવસ બાદ જીગરે ફોનનો ફોટો મોકલીને ખરીદી કરવા માટે અમદાવાદ આવવા કહ્યું હતું. આથી રાહુલે તેના મિત્ર દિશાંત સાથે તા. ૧૦ના રોજ અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું. અમદાવાદ પહોંચી જીગરને કોલ કરતા તેણે બંને મિત્રોને સાયન્સ સિટી રોડ પર બોલાવ્યા હતા.

સાયન્સ સિટી રોડ પર પહોંચ્યા બાદ જીગરે પોતે આવવાને બદલે પાર્થ નામના અન્ય એક શખ્સને મોબાઈલ બતાવવા મોકલ્યો હતો. પાર્થે મોબાઈલ હાથમાં આપી ચેક કરવા દીધો હતો, જેથી રાહુલે ફોન લેવાનું નક્કી કર્યું. પરંતુ, તે સાથે જ જીગરે શરત મૂકી કે પાર્થ સાથે પૈસાની કોઈ વાતચીત કરવી નહીં. ત્યારબાદ જીગરે ઓનલાઈન ક્યુઆર કોડ મોકલ્યો, જેમાં રાહુલે રૂ. ૭૫,૫૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા.

પૈસા ટ્રાન્સફર થઈ ગયા બાદ પાર્થે પોતાને નાણાં મળ્યા નથી તેમ કહી ફોન સોંપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ જીગરે પણ કોલ ઉપાડવાનું બંધ કરી દીધું હતું, જેથી પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો રાહુલને અહેસાસ થયો હતો. અમદાવાદથી ખાલી હાથે પરત ફર્યા બાદ રાહુલે પ્રથમ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રાજકોટના થોરાળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ઠગબાજોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર