લોરેન્સ બિશ્નોઈ સામે પણ કાર્યવાહીના સંકેત આપતા સીએમ ફડનવીસ : બોલિવૂડ કલાકારોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે
(આઝાદ સંદેશ) મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે ખાતરી આપી છે કે મુંબઈ પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ મળ્યા છે, જેના આધારે તપાસ આગળ વધી રહી છે. બીજીતરફ ટાઇગર શ્રોફ પર હુમલો કરી નાસી છૂટેલા આરોપીઓ ટ્રેન મારફતે નાસી ગયા હોવાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રાજસ્થાનના કોટા ખાતેથી ત્રણેયની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.મુખ્યમંત્રી ફડનવીસે આ મામલે લોરેન્સ બિશ્નોઇ સામે પણ કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા.
બૉલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કર્યું કે પોલીસનો હેતુ માત્ર ગોળીબાર કરનારાઓને પકડવાનો જ નથી, પરંતુ પડદા પાછળ રહીને તેમને સૂચના આપનાર માસ્ટરમાઇન્ડને પણ ઝડપી લેવાનો છે. આ ઘટનામાં સંડોવાયેલા લોકો મહારાષ્ટ્રની બહાર અને વિદેશમાંથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. અન્ય રાજ્યોમાં છુપાયેલા આરોપીઓને પકડવા સંબંધિત રાજ્યોની પોલીસ સાથે સંકલન કરવામાં આવશે, જ્યારે વિદેશમાં બેઠેલા આરોપીઓ સુધી પહોંચવા કેન્દ્ર સરકારની મદદ લેવામાં આવશે.લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લેવાના સવાલ પર સીએમએ જણાવ્યું કે આ અંગેની પ્રક્રિયા ચાલુ છે. આ ઘટના બાદ બોલિવૂડ કલાકારોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ યોગ્ય પગલાં લેવાશે.
દરમિયાન ફિલ્મ સ્ટાર ટાઇગર શ્રોફ પર હુમલો કરી હુમલાખોર ટ્રેન મારફતે નાસી ગયા હોવાના સીસીટીવી પુરાવાઓને આધારે પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી આરોપીઓને રાજસ્થાનના કોટા ખાતે રેલવે કોલોનીમાંથી ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપીઓમાં બે આરોપીઓ હરિયાણાના અને એક બિહારનો હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે મનસુખ હિરેન હત્યા કેસ, મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર વિસ્ફોટકો મળવા અને મંત્રીઓના જેલમાં જવા જેવી ઘટનાઓ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે વિપક્ષ ભલે ગમે તે આક્ષેપો કરે, સરકાર અને બોલિવૂડ બંનેને મુંબઈ પોલીસની કાર્યશૈલી પર પૂરો ભરોસો છે.
હુમલા બાદ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બચાવવા ટાઇગર શ્રોફે જાતે કાર ચલાવી
રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના હચમચાવી મૂકનાર વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરો 7 રાઉન્ડ ફાયરિંગ કરતા જોવા મળે છે, જેમાં એક હુમલાખોરની બંદૂક જામ થતી પણ દેખાય છે.આ હુમલામાં ટાઇગરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કાચ તૂટવાથી તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેના ડ્રાઈવર ફિરદૌસના હાથમાં અને એક રાહદારીની છાતીમાં ગોળી વાગી હતી. ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતાં ટાઇગરે પોતે ડ્રાઇવિંગ સીટ સંભાળી હતી અને કાર હંકારીને તેમને સીધા હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
લોરેન્સ બિશ્નોઈની માફી માંગો, સલમાન ખાનને નવી ધમકી
મુંબઈ: અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની જવાબદારી લેનાર અનિલ પંડિતનો એક ધમકીભર્યો ઓડિયો સામે આવ્યો છે, જેમાં સલમાનને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી માંગવા જણાવાયું છે.મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શેર કરવામાં આવેલા આ ઓડિયોમાં અનિલ પંડિતે સલમાન ખાનને ચેતવણી આપતા કહ્યું છે કે, જો તું મારા મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ કે બિશ્નોઈ સમાજની માફી નહીં માંગે, તો અમે તારા આખા પરિવારને ખતમ કરી નાખીશું. આ ઘટના બાદ મુંબઈ પોલીસે હુમલાખોરોને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિત 15 અલગ-અલગ ટીમો બનાવી છે.


