માતા-પિતા કામે ગયા હોવાથી દીકરી ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી પાડોશમાં જ રહેતા અને સગામાં થતા નરાધમે હીન કૃત્ય આચર્યું; પીઆઈ આર.બી. રાણાની ટીમે પોક્સો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
રાજકોટ : રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ધૃણાસ્પદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ બિહારના અને શાપરમાં રહી મજૂરીકામ કરતા પરિવારની ૭ વર્ષની માસૂમ બાળકી ઘરે એકલી હતી, ત્યારે નજીકના જ સગામાં થતા બે બાળકોના પિતાએ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે પરિવારની ફરિયાદ આધારે શાપર પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ત્વરિત સકંજામાં લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
શાપર-વેરાવળ ઔદ્યોગિક ક્ષેત્રમાં શ્રમિક પરિવાર મોટી સંખ્યામાં રહીને રોજગારી મેળવે છે. બિહારથી આવીને અહીં સ્થાનિક કંપનીમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક પરિવાર માટે ગઈકાલનો દિવસ કાળો સાબિત થયો હતો. બપોરના સમયે બાળકીના માતા-પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો પોતપોતાના રોજના કામે ગયા હતા. આ સમયે ઘરે તેમની ૭ વર્ષની માસૂમ પુત્રી એકલી હતી. બાળકીની એકલતા અંગે તેના જ દૂરના સગામાં થતા અને નજીકમાં જ રહેતા શખસને ખબર પડી ગઈ હતી.
માસૂમ બાળકી ઘરે એકલી હોવાની જાણ થતાં જ આ વિકૃત માનસિકતા ધરાવતો શખસ તેના ઘરમાં ધસી આવ્યો હતો. નરાધમે બાળકીની મજબૂરી અને અબુધ વયનો ગેરલાભ ઉઠાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ઘટના બાદ આરોપી માસૂમ બાળકીને ભયભીત અવસ્થામાં છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ હીન કૃત્યથી માસૂમ બાળકી શારીરિક અને માનસિક રીતે આઘાતમાં સરી પડી હતી.
સાંજના સમયે જ્યારે બાળકીના માતા-પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમણે પોતાની વહાલી દીકરીને અત્યંત ડરેલી, ગુમસૂમ અને આઘાતમાં જોઈ હતી. બાળકીના સ્વાભાવિક વર્તનમાં અચાનક આવેલો આ મોટો બદલાવ જોઈને માતા-પિતાને કશુંક અજુગતું બન્યું હોવાની પ્રબળ શંકા ગઈ હતી. તેમણે બાળકીને સાંત્વના આપી, અત્યંત પ્રેમથી અને ધીરજપૂર્વક પૂછપરછ કરી ત્યારે માસૂમે પોતાની સાથે ઘટેલી સમગ્ર ધૃણાસ્પદ આપવીતી રજૂ કરી હતી.
દીકરીના મુખેથી આ ભયાનક સત્ય સાંભળીને શ્રમિક પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનોએ સહેજ પણ વિલંબ કર્યા વિના તુરંત જ શાપર પોલીસ સ્ટેશને પહોંચી બનાવ અંગે વિગતવાર માહિતી આપી હતી. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાને રાખીને શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. રાણાની સીધી રાહબરી હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો અને શરમજનક ખુલાસો થયો છે કે આચરવામાં આવેલું આ હીન કૃત્ય કરનાર આરોપી પોતે પરિણિત છે અને તેને પણ બે બાળકો છે. પોતાના જ સમાજ અને નજીકના સગાની માસૂમ દીકરી સાથે આવી હેવાનીયત આચરનારા આ નરાધમ વિશે જાણીને સમગ્ર શાપર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદાકીય ધોરણસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ ચલાવી છે.


