રાજકોટ : વીંછિયા તાલુકામાં વેપારી સાથે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાનો સામાન પચાવી પાડવાનો બનાવ સામે આવ્યો છે. વીંછિયાના શિવાજીપરામાં રહેતા અને જસદણ રોડ પર ‘સંતોષ ઇલેક્ટ્રિક એન્ડ હાર્ડવેર’ નામની દુકાન ધરાવતા સંતોષભાઈ ઉર્ફે સેંગી પ્રવીણભાઈ બાવળીયા સાથે અમદાવાદના અનિલભાઈ નામના શખસે રૂ. ૧,૪૭,૭૮૫ની છેતરપિંડી આચરી છે. આરોપીએ મોઢુકા રોડ પર ભાડે રાખેલી દુકાનમાં કપડાનો વેપાર શરૂ કરવો છે તેમ કહી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો અને કટકે કટકે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક સામાન ઉધાર મેળવ્યો હતો.
ગઈ તા. ૨૬ મે ૨૦૨૬ના રોજ અનિલભાઈ સવારે વેપારીની દુકાને આવ્યો હતો અને મોઢુકા રોડ પર રાજુભાઈ મિસ્ત્રીની દુકાન ભાડે રાખી તેમાં કપડાનો વેપાર કરવો છે તેમજ ત્યાં કામ ચાલુ હોવાનું જણાવી ઇલેક્ટ્રિક સામાનની માંગણી કરી હતી. પ્રથમ દિવસે તેણે રૂ. ૩૧,૨૪૦નો સામાન લીધો હતો અને રોકડ રકમ ન હોવાનું કહી વધુ સામાન લીધા બાદ એકસાથે ચેક આપવાનો વાદો કર્યો હતો. ત્યારબાદ તા. ૨૭ અને ૨૮ મે દરમિયાન તેણે તબક્કાવાર વાયર, ફોકસ લેમ્પ અને અન્ય હાર્ડવેરની સામગ્રી બાકીમાં મેળવી હતી. આ રીતે આરોપી કટકે કટકે કુલ રૂ. ૧,૪૭,૭૮૫નો સામાન લઈ ગયો હતો.
જ્યારે આરોપી ફરીથી સામાન લેવા આવ્યો ત્યારે વેપારીએ બાકી રકમ કે ચેકની માંગણી કરી હતી, જેના જવાબમાં આરોપીએ એક-બે દિવસમાં ચેક આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યાર બાદ વેપારીએ વારંવાર સંપર્ક કરવા છતાં અનિલભાઈનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સંતોષભાઈ બાવળીયાએ અમદાવાદના અનિલભાઈ સામે વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


