(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની ભાગોળે પારડીમાં એક દિવસ તાવ આવ્યા બાદ એક વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. બાળકને પ્રથમ નજીકની ક્લિનિક બાદ રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં દમ તોડી દીધો હતો. શાપર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો.
મળતી વિગતો મુજબ, અમન ઉર્ફે અર્જુન વર્મા પોતાના પરિવાર સાથે પારડી શીતળા માતા મંદિર પાસે આવેલા કારખાનામાં ઓરડીમાં રહે છે. તેનો ૧ વર્ષીય પુત્ર અરમાન રાત્રી દરમ્યાન ખૂબ રડયો હોય અને છાનો જ ન રહેતો હોય, હળવો તાવ પણ હોય, સવારે તેને નજીકની ક્લિનિકમાં લઈ ગયા હતા. જ્યાં રિપોર્ટ કરાવતા લોહીની કમી હોવાનું જણાયું હતું. જેથી ડોક્ટરે મોટી હોસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી.
દરમ્યાન અરમાનને રાજકોટની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયો હતો પણ અહીં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું. શાપર પોલીસે બાળકનો મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. અમર ઉર્ફે અર્જુન વર્માએ જણાવ્યું કે, તે કારખાનમાં મજૂરી કરે છે. તેને સંતાનમાં ૧ દીકરી અને ૧ દીકરો હોય જેમાં અરમાન દીકરીથી નાનો હતો. તંદુરસ્ત બાળકને એકાએક શું થયું અને મૃત્યુ પામ્યો આ બનાવથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. પોલીસે જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકને શું બીમારી હતી તે સ્પષ્ટ થશે.


