વાવડીનો બનાવ : મૂળ બિહારના વતની ફુલકુમારી રાય (ઉ.વ.23)એ ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો : ઘનશ્યામનગરમાં બીમારીથી કંટાળી ઝેરી દવા પી જનાર વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો
રાજકોટ : રાજકોટ શહેરમાં 24 કલાકમાં આપઘાતના બે કિસ્સામાં સામે આવ્યા છે. જેમાં વાવડીમાં પતિએ મોબાઈલ ઓછો જોવાનું કહેતા 23 વર્ષીય પરિણિતાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. જ્યારે ઘનશ્યામનગરમાં બીમારીથી કંટાળી ઝેરી દવા પી જનાર વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો હતો.
પ્રથમ બનવામાં વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પટેલ ચોકમાં રહેતી ફુલકુમારી શિવપૂજન રાય (ઉંમર વર્ષ 23) નામની પરણીતાએ ગઈકાલે બપોરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તબીબે મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતદેહ પીએમમાં ખસેડી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પરિવારજનોની પુછપરછમાં જાણવા મળેલ કે, ફુલકુમારી અને તેના પતિ બંને જુદી જુદી કંપનીમાં મજૂરી કામ કરતા. મૃતક મૂળ બિહારની વતની હતી. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ બે દિવસ પહેલા મોબાઈલ જોવા અંગે ઠપકો આપ્યા હતો. જેનું લાગી આવતા પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.જે. સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ બે બાળ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર ઘનશ્યામનગરમાં શેરી નંબર 15માં રહેતા આનંદભાઈ શાંતિલાલ જોબનપુત્રા (ઉંમર વર્ષ 64)એ તા.27ના રોજ 11 વાગ્યા આસપાસ પી.ડી. માલવીયા કોલેજ પાસે બગીચામાં એસિડ પી લીધું હતું. તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું. માલવીયાનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી પુછપરછ કરતા જાણવા મળેલ કે, આનંદભાઈને કેન્સરની બીમારી હતી. બીમારીથી કંટાળી પગલું ભર્યાનું અનુમાન છે. મૃતક બે ભાઈમાં મોટા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.


