રાજકોટ ગ્રામ્ય એલસીબી, ધોરાજી તાલુકા અને ભાયાવદર પોલીસની કાર્યવાહીમાં ૨.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ધોરાજી શહેર, સુપેડી ગામ અને ભાયાવદર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ ગ્રામ્ય એલસીબીની ટીમે જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ ૧૭ વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લીધા છે. જુના ઉપલેટા રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ચાલતા અખાડા સહિત જાહેર શેરીઓમાં રમાતા જુગાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન મળીને કુલ ૨,૧૪,૫૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ પેટ્રોલીંગમાં રહેલી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જુના ઉપલેટા રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનાની ઓફિસમાં ભાવેશ બાબુભાઈ જગાણી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી કારખાનેદાર ભાવેશ જગાણી, પરેશ લાલજીભાઈ બેરા, નરેશ ગોવર્ધનભાઈ સંભવાણી, સંજય હરસુખભાઈ ગોટેચા, વિનોદ લાલજીભાઈ બેરા અને પ્રફુલ નરશીભાઇ ગૌતમીને પત્તા ટીંચતા ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ૭૦,૦૦૦ રૂપિયા, ૬ મોબાઈલ ફોન અને ૨ વાહનો મળી કુલ ૧,૯૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે સુપેડી ગામે આવેલા ચામુંડા ગરબી ચોક પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા નિલેશ મોહનભાઈ રોજાસરા, કમલેશ રણછોડભાઈ જમોડ, લખમણ નારણભાઈ બરેજા, સંજય નારણભાઈ રોજાસરા, મુકેશ મોહનભાઈ રોજાસરા, ભાવેશ કેશુભાઈ ડાભી અને રમેશ મોહનભાઈ પરમારને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી રોકડા ૧૬,૧૬૦ રૂપિયા કબ્જે લીધા હતા.
ત્રીજી કાર્યવાહી ભાયાવદર પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ભાયાવદર પોલીસે શેરીમાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા રજીયાબેન આમદભાઈ ઠેબા, ઇલાબેન વિઠ્ઠલભાઈ અઘેરા, મનિષાબેન સંજયભાઈ મોરવાડિયા અને મેહુલ બાબુભાઈ મકવાણાને ઝડપી લીધા હતા. પોલીસે દાવ પરથી રોકડા ૮,૩૯૦ રૂપિયા કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


