રાજકોટ : રાજકોટના ગોકુલધામ ગેટ પાસે આવેલા સ્વામીનારાયણ નગરમાં રહેતા ૫૦ વર્ષીય ભાવનાબેન મુકેશભાઈ જોગરાજીયા પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા તેઓને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા. માહિતી મુજબ મૃતકના પતિ સામાન્ય મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ અચાનક બનેલી ઘટનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
બીજા બનાવમાં મનહરપુર નવી કોર્ટ સામે સાંજના સમયે રામપ્રકાશ રામકરણ યાદવ (ઉંમર વર્ષ ૫૬) નામના પ્રૌઢનું નિધન થયું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને અહીં રહીને કલર કામ કરતા રામપ્રકાશભાઈ છેલ્લા પાંચ મહિનાથી લીવરના ગંભીર ઇન્ફેક્શનની બીમારીથી પીડાતા હતા. લાંબી બીમારી સપડાયેલા આ શ્રમિકે સાંજના સમયે અંતિમ શ્વાસ લીધા હતા. આ બંને બનાવો અંગે પોલીસે જરૂરી કાયદાકીય નોંધ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં પડધરીના મોટા રામપર ગામે આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા મૂળ અમદાવાદના વતની નયનાબેન નિરંજનભાઈ ગોપાણી (ઉ.વ.79)નું બેભાન હાલતમાં મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતા હાર્ટ એટેકના લીધે તેઓનું મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.


