સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબની વર્ગ-2ના અધિકારીઓની જગ્યા ભરવામાં આવી : બઢતીના ઓર્ડર ટૂંકમાં નીકળશે : રાજકોટ કલેકટર કચેરીમાં બિનખેતી, પ્રોટોકોલ, જનસંપર્ક, ડિઝાસ્ટર, અધિક ચિટનીશ સહિતની જગ્યાઓ લાંબા સમયથી ઇન્ચાર્જ ભરોસે
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજ્યના 36 મામલતદારોની બદલીના ઓર્ડર મહેસુલ વિભાગ તરફથી ગત મોડી રાત્રે નીકળ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મહેશભાઇ ડી. દવેને વંથલી (જૂનાગઢ) ખાતે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, પાટણ, સોમનાથ, બનાસકાંઠા, જામનગર, પંચમહાલ, અમરેલી, કચ્છ, તાપી, ડાંગ, આણંદ જિલ્લાના મામલતદારોની બદલીના ઓર્ડર નીકળ્યા છે. રાજકોટના અર્બન ડેવલપ ઓથોરિટી (રૂડા)ના મામલતદાર આઇ.જી. ઝાલાને જસદણ, વીંછિયાના મામલતદાર રાજેન્દ્રકુમાર પંચાલને ધોરાજી મામલતદાર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા વર્ગ-2ના અધિકારીઓની અરસ-પરસ વહિવટી કુશળતા ખાતર બદલી કરવામાં આવી છે. દરમિયાન જામનગર પ્રોટોકોલ મામલતદાર કે.જે. મારૂને પોરબંદર રૂરલમાં નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે હિતેન્દ્રકુમાર ડી. બારોટને કચ્છથી વીંછિયા ખાતે મુકવામાં આવ્યા છે. અમરેલીના ધારી તાલુકાના કૃષ્ણકુમારસિંહ ચુડાસમાને રાજકોટના લોધિકા મામલતદાર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે જામનગરના મહેન્દ્ર જે. ચાવડાને જામનગર રૂરલમાં મુકવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા મામલતદારની જગ્યા ભરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ કલેકટર કચેરીમાં બિનખેતી, જનસંપર્ક, ચિટનીશ ટુ કલેકટર સહિતની અડધો ડઝનથી વધારે જગ્યાઓ હજુ ખાલી છે. દરમિયાન ગાંધીનગર ટોંચના સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જરૂરિયાત હોય તેવી જગ્યા ઉપર તાકીદે મામલતદાર સંવર્ગની જગ્યાઓ ઉપર નિમણૂંક આપવામાં આવી છે. હજુ બઢતી સાથેના ઓર્ડર આગામી દિવસોમાં નિકળે ત્યારે સંભવિત રાજકોટ કલેકટર કચેરીની ખાલી પડેલી જગ્યાઓ ઉપર નિમણૂંકની શકયતા છે.