🔥 રાજકોટમાં આમ્રપાલી પાસે ગેરેજમાં આગ, રહેણાંક વિસ્તારમાં ફેલાઈ ભયજનક સ્થિતિ
રાજકોટના આમ્રપાલી અંદરબીજ વિસ્તાર નજીક આવેલા ચુડાસમા પ્લોટ મેઇન રોડ પર આવેલા શ્રી શક્તિ મોટર ગેરેજમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગેરેજ રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાથી અને નીચે ગેરેજ તથા ઉપર રહેણાંક ફ્લેટો હોવાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગેરેજમાં રાખેલા ઓઇલ ભરેલા ડબલાં, એસીમાં ભરાતો ગેસ તથા અન્ય દાહક સામગ્રીના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ બની કે ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં સુધી ફેલાઈ ગઈ. ગેરકાયદેસર રીતે પાર્કિંગમાં રાખવામાં આવેલ એસીનો પાછળનો ભાગ ધડાકાભેર ફાટતા ગેસ લીકેજ પણ થયું હતું.
સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ગેરેજ અને આસપાસના વિસ્તારમાં ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો દ્વારા ગેરેજમાં ઓઇલના કેરબા, ગેસ અને એસી જેવી જોખમી વસ્તુઓ ક્યાંથી અને કયા નિયમ હેઠળ રાખવામાં આવી હતી તે અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ ગેરેજ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પિયુષભાઈ ચાવડાનું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
🏛️ સંત કબીર રોડ મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન
રાજકોટના સંત કબીર રોડ પર આવેલા નંદુ બાગ વિસ્તારમાં જમીન મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મેયર નયનાબેન પેઢડિયાએ પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે.
મેયરે જણાવ્યું હતું કે,
“નંદુ બાગ વિસ્તારમાં આવેલી જગ્યા અમારી બાપ-દાદાની છે. અમે કોઈ ખોટું કામ કર્યું નથી. જો હું ખોટી હોત તો ક્યારેય મીડિયા સામે આવીને વાત ન કરતી. કોર્પોરેશનના જે નિયમો હશે તે અમે સંપૂર્ણ રીતે પાલન કરીશું અને તંત્ર જે નિયમ મુજબ કાર્યવાહી કરશે તે અમને માન્ય રહેશે.”
મેયરના આ નિવેદન બાદ રાજકીય તથા પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની છે.
🐄 રાજકોટમાં એશિયાનું સૌથી મોટું ઇન્ડિયન કેટલ શો, 20થી 22 ફેબ્રુઆરી સુધી યોજાશે
રાજકોટ શહેરમાં 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન એશિયાનું સૌથી મોટું ઇન્ડિયન કેટલ શો યોજાવા જઈ રહ્યું છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવશે.
આ પ્રદર્શનમાં ગુજરાતની ઓળખ એવા ગીર અને કાંકરેજ ગૌવંશનું વિશેષ પ્રદર્શન કરવામાં આવશે. દેશ-વિદેશમાંથી પશુપાલકો, ખેડૂતોએ અને ગૌસંવર્ધન સાથે જોડાયેલા નિષ્ણાતો મોટી સંખ્યામાં હાજરી આપવાની શક્યતા છે.
આ કેટલ શોનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કરકમળો દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમથી રાજકોટ શહેરની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


