સોમનાથ સ્વાભિમાન પર્વ: PM મોદી કરશે જાહેરસભાને સંબોધન
સોમનાથ સ્વાભિમાન પર્વનો આયોજિત કાર્યક્રમ 8થી 10 જાન્યુઆરી દરમિયાન યોજાશે. મહમદ ગઝનવી દ્વારા સોમનાથ પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સોમનાથ ખાતે 24 કલાક સતત ઓમકારના જાપ કરવામાં આવી રહ્યા છે. આ અવસર પર સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવા ચાર મહાનગરોમાંથી દરરોજ એક-એક વિશેષ ટ્રેન સોમનાથ પહોંચશે. સાથે જ સોમનાથના દરિયાકાંઠે લાઈટિંગથી શોભાયમાન બોટ્સ પણ ગોઠવવામાં આવશે, જે સમગ્ર વિસ્તારને ઝળહળી ઉઠાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 વાગ્યે સોમનાથ પહોંચશે અને મંદિર ટ્રસ્ટ સાથે બેઠક યોજશે. આ દરમિયાન ભવ્ય ડ્રોન શોનું આયોજન પણ કરવામાં આવશે. ત્યારબાદ 11 જાન્યુઆરીના રોજ સવારે વડાપ્રધાન સોમનાથ મહાદેવને શીશ નમાવી દર્શન કરશે. શંખ સર્કલથી વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત અને અભિવાદન શરૂ થઈ હમીરજી ગોહિલની પ્રતિમા સુધી યોજાશે.
11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે, જેમાં તેઓ શૌર્ય, સંઘર્ષ અને અતૂટ આસ્થાના પ્રતીક તરીકે સોમનાથના મહાત્મ્ય પર પ્રકાશ પાડશે. આ સભામાં એક લાખથી વધુ લોકો જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


