શીર્ષક:
PM મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ ગાંધીનગરના 5 નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ
સમાચાર:
ગુજરાતના ગાંધીનગરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત બનવા જઈ રહી છે. આગામી 12 જાન્યુઆરીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર બનેલા 5 નવા મેટ્રો સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. લોકાર્પણ પ્રસંગે PM નરેન્દ્ર મોદી અમદાવાદની જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. આ દરમિયાન જર્મન ચાન્સેલર પણ PM મોદી સાથે મેટ્રો પ્રવાસ કરશે.
જે પાંચ નવા મેટ્રો સ્ટેશન શરૂ થવાના છે તેમાં અક્ષરધામ, જુનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ થાય છે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં દૈનિક 1.5 લાખથી વધુ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરે છે. નવા 5 સ્ટેશન શરૂ થતા જ બંને શહેરોના નાગરિકોને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક પરિવહન મળશે, તેમજ ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.


