અમદાવાદઃ પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા સામે કોંગ્રેસ મેદાને ઉતરી આવી છે. શહેરના 25થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો નોંધાતા લોકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે કોંગ્રેસે AMCની કામગીરી પર સવાલ ઉઠાવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓએ AMCની દાણાપીઠ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં મેયર ઓફિસનો ઘેરાવ કરી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે શહેરવાસીઓને શુદ્ધ પીવાનું પાણી આપવાની જવાબદારી AMCની છે.
કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરકારક પગલાં લઈ શહેરમાં શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ પ્રદૂષિત પાણીથી જનસ્વાસ્થ્યને પડતા જોખમ અંગે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.


