રાજકોટના માલાબાર જ્વેલર્સમાં 4.72 લાખની સોનાની ચોરી, મહિલા CCTVમાં કેદ
રાજકોટ શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલ માલાબાર જ્વેલર્સ શો-રૂમમાં સોનાની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શો-રૂમમાં ખરીદીના બહાને આવેલી એક મહિલાએ શાતિરાઈપૂર્વક સોનાની ચેન ચોરી કરતા સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ મહિલા ગ્રાહક બની શો-રૂમમાં પ્રવેશી હતી. સોનાની ચેન જોવાના બહાને તેણે કર્મચારીઓનું ધ્યાન અન્ય તરફ વાળ્યું હતું. આ દરમિયાન તક જોઈને તેણે અંદાજે રૂ. 4.72 લાખ કિંમતની સોનાની ચેન ખૂબ ચતુરાઈથી ઉઠાવી પોતાના વસ્ત્રોમાં છુપાવી લીધી હતી. સમગ્ર ઘટનાની ખબર શો-રૂમ સ્ટાફને બાદમાં CCTV ફૂટેજ તપાસતા પડી હતી.
CCTV ફૂટેજમાં મહિલા સોનાની ચેન હાથમાં લેતી અને પછી શાતિર રીતે ચોરી કરતી સ્પષ્ટ નજરે પડે છે. ઘટનાની જાણ થતાં જ માલાબાર જ્વેલર્સના સંચાલન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એ ડિવિઝન પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપી મહિલાને ઝડપી લેવામાં આવશે. શહેરના અન્ય જ્વેલર્સ શો-રૂમોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


