રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન મુદ્દે પરિસ્થિતિ ગંભીર બની છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી આખરી ડિમોલેશન નોટિસ બાદ વિસ્તારના રહીશોમાં ભય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી વસવાટ કરતા પરિવારોને અચાનક ઘરો ખાલી કરવાની સૂચના મળતા લોકો માનસિક તણાવમાં મુકાયા છે.
ડિમોલેશનની નોટિસ મળતા અનેક મહિલાઓ ભાવુક બની રડી પડ્યા હતા. પરિવારોએ પોતાના આશિયાણાના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને પૂરતો સમય તથા યોગ્ય વિકલ્પ આપ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂક્યો છે.
આ મામલે કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે સમગ્ર કાર્યવાહી કાયદાની જોગવાઈ અનુસાર હાથ ધરવામાં આવી રહી છે અને તમામ બાબતોની તપાસ બાદ નિર્ણય લેવાયો છે. તેમ છતાં રહેવાસીઓ તંત્રના જવાબથી સંતોષ પામ્યા નથી.
આખરી નોટિસ સામે જંગલેશ્વર વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રહીશોએ ન્યાય, પુનર્વસન અને માનવતા આધારિત નિર્ણય લેવાની માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર વિસ્તારનું વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે.


