ભારતની અંડર-19 ટીમને ભારત માં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમવાની છે. બીસીસીઆઈએ આ સિરીઝમાં રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને તક આપી છે.
રાહુલ દ્રવિડની ગણતરી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. નક્કર ટેકનિક અને અનેક વિશ્વસનીય ઇનિંગ્સને કારણે તેને ટીમ ઇન્ડિયામાં ‘ધ વોલ’નો ખિતાબ મળ્યો હતો. તેમનો પુત્ર સમિત દ્રવિડ પણ ક્રિકેટ રમે છે. ચાહકોને પિતાની જેમ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સમિતે તાજેતરમાં જ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની ટી-20 લીગ મહારાજા ટી-20 ટ્રોફીમાં ભાગ લીધો હતો. સમિત આ લીગમાં મૈસુરુ વોરિયર્સનો ભાગ હતો. આ સમય દરમિયાન તેનો અભિનય કંઈ ખાસ નહોતો, પરંતુ તેણે પોતાની પ્રતિભાની ઝલક જરૂરથી બતાવી હતી. હવે તેને ઈન્ડિયા અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઇએ તેને ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની શ્રેણીમાં તક આપી છે. આ પહેલી વખત છે જ્યારે સમિત ભારતની અંડર-19 ટીમનો ભાગ બનશે.
બીસીસીઆઇએ ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે વન ડે અને ચાર દિવસીય શ્રેણીની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણી ભારતમાં જ રમાશે. 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આ સીરિઝમાં 3 વન ડે અને 2 ચાર દિવસીય મેચ રમાશે. આ માટે બીસીસીઆઇની જુનિયર સિલેક્શન કમિટીએ ભારતીય ટીમની પસંદગી કરી છે. આ બંને સિરીઝમાં રાહુલ દ્રવિડના પુત્રને તક મળી છે. મહારાજા ટ્રોફી સમિત માટે સારી નહોતી. તે એક પણ મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યો ન હતો. ટૂર્નામેન્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 33 રન હતો. સમિતને પણ સતત ફ્લોપ રહ્યા બાદ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.