ભારતીય ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં 0-3થી સામનો કરવો પડયો. આ શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયા હવે પોતાની આગામી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થવા જઇ રહી છે. આ દરમિયાન એવા સમાચાર છે કે જો ત્યાં ટીમનું પ્રદર્શન સારું નહીં રહે તો હેડ કોચ ગૌતમ ગંભીર સામે કાર્યવાહી થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડ તરફથી 0-3થી મળેલી હાર બાદથી ટીમ ઇન્ડિયાને ભૂકંપનો સામનો કરવો પડ્યો છે. ટીમના ખેલાડીઓની સાથે સાથે હવે હેડ કોચ ગૌતમ ગંભીરના સમગ્ર મેનેજમેન્ટ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. હવે તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થવાનો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ જણાવે છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ ગંભીર માટે પોતાને સાબિત કરવાની આખરી તક બની શકે છે. જો ત્યાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું નહીં રહે તો બીસીસીઆઇ તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે.
Read: ટ્રમ્પ મસ્કને શું જવાબદારી આપવા જઈ રહ્યા છે? ફોન કોલમાંથી ઘણા સંકેતો
ગંભીર વિશે BCCI શું વિચારી રહ્યું છે?
ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયો હતો. જે પછી આઇપીએલમાં ગૌતમ ગંભીરના પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ તેમને હેડ કોચ તરીકે નીમ્યા હતા. પરંતુ તેના આવ્યા બાદ ભારતીય ટીમની હાલત કફોડી બની ગઇ છે. શ્રીલંકામાં વન ડે શ્રેણી ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ખરાબ રીતે હારી ગઈ છે. આવી સ્થિતિમાં બીસીસીઆઇ હવે બંને ફોર્મેટમાં અલગ-અલગ કોચ બનાવવાની વિચારણા કરી રહ્યું છે.
રિપોર્ટમાં બીસીસીઆઇના સૂત્રોને જણાવવામાં આવ્યું છે કે, બોર્ડ તેના નિર્ણયમાં ફેરફાર કરીને ગંભીરને દૂર કરી શકે તેમ નથી. પરંતુ રેડ અને વ્હાઇટ બોલ ફોર્મેટમાં અલગ-અલગ કોચ બનાવી શકે છે. જોકે આ નિર્ણય ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આધારિત છે.
BCCIએ ગંભીરને પૂછ્યા સવાલ
મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમ 3 દિવસની અંદર જ મેચ હારી ગઈ હતી. આ સાથે ટીમ 0-3થી શ્રેણી પણ હારી ગઈ હતી. બીસીસીઆઇએ આ શરમજનક હારને લઇને કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે બેઠક કરી છે. આ દરમિયાન ‘રેન્ક ટર્નર પીચ’ની માંગ, જસપ્રિત બુમરાહને છેલ્લી મેચમાં આરામ કરવા અંગે સવાલ કરવામાં આવ્યા હતા.
આ પછી રોહિત શર્માએ ગૌતમ ગંભીરના કોચિંગ અને ટીમ સિલેક્શન અંગે વાતચીત કરી હતી. પીટીઆઈના રિપોર્ટ અનુસાર આ બેઠકથી ખુલાસો થયો છે કે, સિલેક્શનને લઈને ટીમ મેનેજમેન્ટના કેટલાક સભ્યો અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ છે. ત્રણેયને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પાછા ફરવાની તેમની યોજના વિશે પણ પૂછવામાં આવ્યું હતું.