યુનિવર્સિટી રોડ ઉપર ભગવતસિંહ ગાર્ડન નજીક હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા જ્યોતિબેન ગોસાઈ (ઉ.વ.46)ને મોતને ઘાટ ઉતારી કપાતર પુત્ર નિલેશગર જસવંતગર (ઉ.વ.22) પોલીસમાં હાજર થયો : મૂળ કચ્છ પંથકના રહેવાસી બાવાજી મહિલાના 20 વર્ષ પૂર્વે છૂટાછેડા થયા’તા : હત્યારા પુત્રને રાજકોટમાં નોકરી હોવાથી અઢી વર્ષથી અહીં ભાડે રહેતા’તા : યુનિવર્સિટી પોલીસે આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુનિવર્સિટી રોડ ઉપર ભગવતસિંહ ગાર્ડન નજીક હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા 46 વર્ષના બાવાજી મહિલાને તેના જ 22 વર્ષના પુત્રએ ગળેટુંપો આપી પતાવી દીધા હોવાનું સામે આવ્યું છે. માતાની માનસિક બીમારીથી કંટાળી તેણે આ કૃત્ય આચર્યું હોવાનું જણાવી પોતે પોલીસ સમક્ષ હાજર થતા તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પુત્રની નોકરી રાજકોટમાં હોવાથી તેઓ તેની સાથે ભાડે રહેતા હતા. મૃતકનો પરિવાર મૂળ ક્ચ્છ પંથકનો વતની હતો અને મહિલાના 20 વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં આજે સવારે એક યુવક પોતે માતાની હત્યા કરી હોવાનું કહીં હાજર થયો હતો. જેથી હાજર સ્ટાફ પણ ચોંકી ગયો હતો અને તાત્કાલીક બનાવ અંગે પીઆઈ એમ.જી.વસાવાને જાણ કરી હતી. જેથી તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા. ત્યારબાદ આ અંગે તેણે યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિલેશગર જસવંતગર ગોસાઈ (ઉ.વ.22)હોવાનું અને પોતે યુનિવર્સિટી રોડ ઉપર ભગવતસિંહ ગાર્ડન નજીક હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં તેણે પોતાના માતા જ્યોતિબેન જસવંતગર ગોસાઈ (ઉ.વ.46)ને સવારે ઘરમાં ગળેટુંપો આપી હત્યા કર્યાની કબુલાત આપતા તેની અટક કરી પોલીસ સ્ટાફ તેના ઘરે દોડી ગયો હતો. જ્યાં જ્યોતિબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, જ્યોતિબેન મૂળ કચ્છ પંથકના રહેવાસી હતા. 20 વર્ષ પૂર્વે તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેને સંતાનમાં 2 દીકરા અને એક દીકરી છે. જે પૈકી પુત્ર નિલેશગરને રાજકોટમાં કંપનીમાં નોકરી હોવાથી તે અહીં તેની સાથે ઓરડી ભાડે રાખી અઢી વર્ષથી રહેતા હતા.
આ બનાવનું કારણ પુછતા પુત્ર નિલેશે કહ્યું હતું કે તેના માતા વર્ષોથી માનસિક બીમારીથી પીડાતા હતા. અનેક વખત તેની દવા કરાવવા છતાં તેમને ફરક પડતો ન હતો. જેની સેવા કરતા તે કંટાળી ગયો હતો. જેથી આજે સવારે તેને ગળેટુંપો આપી દીધો હતો. આ બનાવ બાદ પોલીસે નિલેશગરની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે.