જૂની અદાવતનો ખાર રાખી ધારદાર હથિયાર વડે ઈજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો આક્ષેપ, સામા પક્ષે પણ મારકૂટની વળતી ફરિયાદ નોંધાવી
રાજકોટ : રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામ પાસે પાંચ દિવસ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી ત્રણ શખ્સોએ કાર આંતરી આધેડ પર ધારદાર હથિયાર અને ઢીકાપાટુ વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બીજી તરફ સામા પક્ષે પણ આધેડે જાહેરમાં ગાળો આપી થપ્પડ મારી મકાન ખાલી કરવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવતા શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.
લોધિકા તાલુકાના પારડી ગામે શીતળા મંદિર પાછળ પૂનમ સોસાયટીમાં રહેતા અજય બાબુ પરમાર (ઉ.વ. ૪૫) એ શાપર પોલીસ મથકમાં ગોપાલ ગુપ્તા, તેના માસીના દીકરા અને રવિ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજે આશરે સાડા આઠ વાગ્યે અજય પરમાર અને તેના મિત્ર સુખદેવ રાઠોડ ગૌશાળાએ નિરણ નાખવા માટે સુખદેવની કારમાં નીકળ્યા હતા. તેઓ મારુતિ પાર્ક સોસાયટીમાં આવેલા દશામાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ગોપાલ ગુપ્તા અને તેના માસીનો દીકરો કારની આડા ઊભા રહી જતાં ગાડી ઊભી રાખવી પડી હતી.
ગાડી ઊભી રહેતા સુખદેવ રાઠોડ નીચે ઉતર્યો હતો, ત્યારે ગોપાલ ગુપ્તાએ તેને અંદર બેસી જવા અને અજયને બહાર મોકલવા કહ્યું હતું. અજય પરમાર નીચે ઉતરતા જ ગોપાલ ગુપ્તાએ ગાળો ભાંડી તારા દીકરાને જેલમાં પુરાવી દીધો છે અને તને પણ જેલમાં પુરાવવો છે તેમ કહી ઝપાઝપી શરૂ કરી હતી. ઝપાઝપીમાં અજય નીચે પડી જતાં ગોપાલે તેના ડાબા હાથની હથેળીમાં ધારદાર હથિયારનો ઘા ઝીંકી દીધો હતો. આ દરમિયાન રવિ ગુપ્તા પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે તથા તેના માસીના દીકરાએ અજયને ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
બીજી તરફ, સામા પક્ષે પારડીની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ગોપાલ રામઅજર ગુપ્તા (ઉ.વ. ૧૯) એ અજય બાબુ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ગોપાલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૧૪/૧૧/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે તે પારડી શીતળા માતાના મંદિર પાસે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં તેની બહેન નુતનના ઘરની બહાર ઓટા પર બેઠો હતો. આ સમયે અજય પરમારે ત્યાં આવી જાહેરમાં ગાળો આપી ગોપાલને બે થપ્પડ મારી દીધી હતી.
વધુમાં, અજય પરમારે ગોપાલના બનેવી અનીલ રોયને પણ થપ્પડ મારી ગાળો ભાંડી હતી અને મકાન ખાલી કરીને જતા રહેવા ધમકી આપી હતી, જેના કારણે ગોપાલ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના સમયે ગોપાલનો કૌટુંબિક ભાઈ રવિ હરેશ ગુપ્તા ત્યાં આવી જતાં અજયે તેને પણ ગાળો આપી હતી. હાલ શાપર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


