મંગળવાર, સપ્ટેમ્બર 29, 2026

ઈ-પેપર

મંગળવાર, સપ્ટેમ્બર 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટશાકભાજી વેચતો શખસ ઘરબેઠા નકલી નોટો છાપતા ઝડપાયો: રૂ. 500 અને 100ના...

શાકભાજી વેચતો શખસ ઘરબેઠા નકલી નોટો છાપતા ઝડપાયો: રૂ. 500 અને 100ના દરની 219 બનાવટી નોટો કબજે

શહેર એસઓજી અને શહેર ડીસીબીનો માંડાડુંગર પાસે શ્યામ કિરણ પાર્કમાં દરોડો : કિશન સોલંકી (ઉ.વ.30) ​ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને ટેલિગ્રામ વીડિયો દ્વારા નકલી નોટ બનાવતા શીખ્યો’તો : નકલી નોટ છાપી એમ.પી.ના શખસે 10 હજારની ફેક કરન્સી સામે 3 હજાર અસલી આપવાની આપી હતી લાલચ : પ્રિન્ટર-સ્કેનર સહિત રૂ. 65,500નો મુદ્દામાલ જપ્ત

​રાજકોટ : રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પરથી નકલી નોટ છાપવાનું શીખી ઘરબેઠા કૌભાંડ આચરતા શાકભાજી વેચનાર શખસને પોલીસે ઝડપી લીધો છે. રાજકોટ શહેર એસ.ઓ.જી. અને ડી.સી.બી. પોલીસની સંયુક્ત ટીમે શ્યામ કિરણ પાર્ક વિસ્તારમાં દરોડો પાડીને રૂ. 500 અને રૂ. 100ના દરની નકલી નોટો છાપતા યુવકની રંગેહાથ ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 100ના દરની 216 અને રૂ. 500ના દરની 3 બનાવટી નોટો, પ્રિન્ટર, સ્કેનર અને કોમ્પ્યુટર સહિત કુલ રૂ. 65,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી ભરત બી. બસીયાની સૂચનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી અંતર્ગત એસ.ઓ.જી. પી.આઈ. એન.બી. ચૌધરી તથા ડી.સી.બી. પી.આઈ. એ.એસ. ચાવડા અને એમ.એલ. ડામોરની રાહબરી હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી. એસ.ઓ.જી. પી.એસ.આઈ. એમ.વી. જાડેજા અને ડી.સી.બી. પી.એસ.આઈ. એ.એન. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા યોગરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી, જેના આધારે તા. 28 સપ્ટેમ્બરના રોજ શ્યામ કિરણ પાર્ક શેરી નં. 3માં દરોડો પાડવામાં આવ્યો હતો.

​દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આરોપી કિશન ભુપેન્દ્રભાઈ સોલંકી (ઉંમર વર્ષ 30, રહે. શ્યામ કિરણ પાર્ક શેરી નં. 3, માંડા ડુંગર, ભાવનગર રોડ, રાજકોટ) ને ઝડપી લીધો હતો. મકાનની તલાશી લેતા કેનન કંપનીનું પ્રિન્ટર કમ સ્કેનર, એચ.પી.નું પ્રિન્ટર, લેમિનેટર હીટર મશીન, iVOOMi કંપનીનું સી.પી.યુ., મોનિટર, બટર પેપર, રૂ. 100ના દરની પ્રિન્ટવાળા 28 કાગળો, એક આધારકાર્ડ તથા એપલ કંપનીનો મોંઘો મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ તમામ સાધનો તથા 219 નકલી નોટો મળી કુલ રૂ. 65,500નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

​આરોપી કિશન સોલંકીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, આશરે છ મહિના પહેલા તેણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી. આ રીલમાં ભારતીય બનાવટની નકલી નોટો બનાવવાની ટૂંકી પદ્ધતિ દર્શાવવામાં આવી હતી અને વધુ જાણકારી માટે સંપર્ક કરવા જણાવાયું હતું. કિશને દોઢ મહિના સુધી સતત મેસેજ કર્યા બાદ રીલ મુકનાર શખ્સે સામેથી કોલ કરીને વાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલો આ શખસ મધ્યપ્રદેશનો રહેવાસી દીપક બારફા સીરવી હોવાનું ખુલ્યું હતું. દીપકે જ કિશનને પ્રિન્ટર, કાગળ અને હીટર મશીન જેવા જરૂરી સાધનો વસાવવાની સલાહ આપી હતી.

​ત્યારબાદ મધ્યપ્રદેશના દીપકે ટેલિગ્રામ એપ મારફતે કિશનને વીડિયો ફાઈલો મોકલવાનું શરૂ કર્યું હતું. આ સિવાય નોટોના પરફેક્ટ કલર અને કટીંગ માટે ફોટોશોપ જેવી વિવિધ સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કરતા પણ શીખવ્યું હતું. અનેક પ્રયાસો અને મહિનાઓની મહેનત બાદ કિશન આબેહૂબ નકલી નોટ બનાવતા શીખી ગયો હતો. દીપકે કિશનને રૂ. 10,000ની નકલી નોટો આપવાના બદલામાં રૂ. 3,000 અસલી રોકડા આપવાની લાલચ આપી હતી, જેથી કિશને ઘરમાં જ પ્રિન્ટર ગોઠવીને નોટો છાપવાનું કૌભાંડ શરૂ કરી દીધું હતું.

​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિશન સોલંકી અગાઉ રાજકોટમાં શાકભાજી વેચવાનો અને ડ્રાઇવિંગ કરવાનો ધંધો કરતો હતો. પરંતુ રાતોરાત અમીર બની જવાની લાલચમાં તે નકલી નોટોના કારોબારમાં હોમાઈ ગયો હતો. કિશન ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે; તેની સામે અગાઉ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો અને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલમાં એસ.ઓ.જી. અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ નકલી નોટો ક્યાં અને કોને સપ્લાય કરવાની હતી તથા આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.  

સંબંધિત સમાચાર

તાજા સમાચાર