શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2026

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટજંગલેશ્વરમાં ‘સામે જોવા’ જેવી બાબતે યુવાન પર છરી વડે ખૂની હુમલો: આંતરડું...

જંગલેશ્વરમાં ‘સામે જોવા’ જેવી બાબતે યુવાન પર છરી વડે ખૂની હુમલો: આંતરડું બહાર આવી ગયું

રાજકોટ : ​રાજકોટ શહેરમાં નજીવી બાબતોમાં હથિયારો વડે હુમલા થવાના બનાવો સતત વધી રહ્યા છે, જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે છે. તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં માત્ર ‘સામે કેમ જુએ છે’ જેવી તુચ્છ બાબતે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં યુપીના યુવાન પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક બતાવવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા જોઈ ભક્તિનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

​મૂળ યુપીના અલીગઢના વતની અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટના જંગલેશ્વર શેરી નંબર ૧૪માં રહીને બફકામ કરતા ૨૪ વર્ષીય ઝુબેર અબ્દુલરજાકભાઇ સૈયદ પર આ જીવલેણ હુમલો થયો હતો. ઝુબેર પોતાના ઘર નજીક શેરીમાં ઉભો હતો ત્યારે જંગલેશ્વરના રાધાકૃષ્ણનગર-૧૦માં રહેતો સોહિલ ઉર્ફે સોહીલો અજીતભાઇ હીંગોરા ત્યાં આવી પહોંચ્યો હતો. સોહિલે “તું મારી સામે કેમ જુએ છે?” તેમ કહી ઝુબેર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં વાત એટલી વધી ગઈ કે સોહિલે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે ઝુબેર પર હુમલો કરી દીધો હતો.

​સોહિલે ઝુબેરના ગુપ્તાંગના ઉપરના ભાગે તેમજ સાથળના ભાગે છરીના ઊંડા ઘા મારી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે છરી વાગવાને કારણે ઝુબેરનું આંતરડું શરીરની બહાર આવી ગયું હતું. બનાવને પગલે શેરીમાં દેકારો મચી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જેને જોઈ હુમલાખોર સોહિલ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા ઝુબેરને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ કટોકટીની સ્થિતિ જોઈ તાત્કાલિક જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ યુવાન બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.

​ઝુબેરના વતનના અને રાધાકૃષ્ણનગરમાં જ રહેતા મિત્ર નઇમ મુન્નેખાન સૈયદે સમગ્ર ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નઇમના જણાવ્યા અનુસાર, તે અને ઝુબેર શેરીમાં વાતો કરી રહ્યા હતા, ત્યારબાદ નઇમ જમવા ઘરે ગયો હતો. અચાનક બહાર બૂમાબૂમ થતાં તેની પત્ની રૂબીનાએ તપાસ કરી હતી અને ઝુબેર સાથે માથાકૂટ થતી હોવાનું જણાવ્યું હતું. નઇમ દોડીને બહાર પહોંચ્યો ત્યારે સોહિલના હાથમાં લોહીવાળી છરી હતી અને તેણે ઝુબેરને ઘા મારી દીધા હતા. પૂછપરછ કરતા સોહિલે જણાવ્યું હતું કે ઝુબેર તેની સામે જોતો હોવાથી તેણે આ પગલું ભર્યું હતું.

​સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે જાણ કરતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો તરત જ હરકતમાં આવ્યો હતો. પીઆઈ જે. ડી. પરમાર, એએસઆઈ નિલેષભાઈ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ તોરલબેન જોષી સહિતની ટીમે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રાતોરાત દરોડો પાડી હત્યાની કોશિશ કરનાર સોહિલ ઉર્ફે સોહીલા હીંગોરાને દબોચી લીધો હતો અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર