વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે જે.પી. નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્રમાં નીટ પેપર લીક અને દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે ક્રરેલા લાઠીચાર્જ અને બર્બરતા સંસદના બન્ને ગૃહોમાં ભારે હોબાળો મચી રહ્યો છે ત્યારે બુધવારે રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા તથા વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે વિદ્યાર્થીઓ પર દમન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.આ તકે જે.પી.નડ્ડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ એક્ટિવિસ્ટ બનશે તો જેલમાં જવું જ પડશે.
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને તેમની ધરપકડની આકરી નિંદા કરી હતી. અગાઉ સીપીઆઈ(એમ)ના સાંસદ જોન બ્રિટાસે આરોપ લગાવ્યો હતો કે પોલીસે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેતા આઈશી ઘોષની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ખડગેએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કોઈ રાષ્ટ્રીય પાર્ટીની ઓફિસમાં ઘૂસીને ધરપકડની વાત કરવી એ અત્યંત શરમજનક છે. તેમણે દાવો કર્યો કે આજે લોકશાહી ખતરામાં છે અને આવું કૃત્ય કરનારાઓને સજા મળવી જોઈએ.
ખડગેના નિવેદન બાદ રાજ્યસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. જે.પી. નડ્ડાએ ઊભા થઈને સરકારનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે યોગ્ય હતી. તેમણે કહ્યું કે જો વિદ્યાર્થીઓએ એક્ટિવિસ્ટ બનવું હોય, તો તેમણે આવી સજા કે જેલ જવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. નડ્ડાએ કોંગ્રેસ પર પલટવાર કરતા વધુમાં ઉમેર્યું કે તેઓ પોતે પણ પોતાના વિદ્યાર્થી કાળમાં અનેક આંદોલનોનો હિસ્સો રહી ચૂક્યા છે અને તે સમયે તેમની પણ ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી.


