રાજકોટ શહેરમાં લુખ્ખા અને માથાભારે તત્ત્વો બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. અમૂલ સર્કલ નજીક આવેલી પાન અને ટી સ્ટોલની દુકાને શખ્સોએ તોડફોડ કરી દુકાનદાર તથા તેના ભાણેજને મારમાર્યો હતો. એટલું જ નહીં, “અહીં દુકાન ચલાવવી હોય તો દરરોજ પૈસા આપવા પડશે” કહી રૂ.૧૨૦૦ બળજબરીથી પડાવી લીધા હતા. સમગ્ર મામલે થોરાળા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આજીડેમ ચોકડી પાસે રહેતા જયેશ ઉર્ફે લાલો ઇન્દુભાઈ કવાતરે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં મોહિત ઉર્ફે બન્ની સુરેશભાઈ પરમાર, અજય ગોહેલ, હિતેન ઉર્ફે ડબ્બો ગોહેલ અને સુજલ બથવારના નામ આપ્યા છે. ફરિયાદી જયેશભાઈની અમૂલ સર્કલ નજીક ‘મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ’ નામની દુકાન આવેલી છે, જ્યાં તેમનો ભાણેજ કિશન ડાભી કામ કરે છે.
ગત ૨૪ મેની રાત્રે દુકાન પર મોહિત ઉર્ફે બન્ની આવ્યો હતો અને કિશન સાથે બોલાચાલી કરી દુકાનમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ તેણે ધમકી આપતાં કહ્યું હતું કે, “અહીં દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે.” ઘટનાની જાણ થતાં જયેશભાઈ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા.
બાદમાં રાત્રિના સમયે સમાધાનના બહાને ફરિયાદીને આંબેડકરનગર વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં આરોપીઓએ ફરી ધમકીઓ આપી રૂ.૧૨૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપી મોહિતે પોતે અગાઉ મર્ડરના કેસમાં જેલમાં ગયો હોવાની ધમકી આપતાં ફરિયાદી ડરી ગયો હતો. આ દરમિયાન ફરિયાદીના ભાણેજ કિશનને પકડી રાખી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. વચ્ચે પડનાર મિત્રને પણ માર માર્યો હતો.
આટલું જ નહીં, બીજા દિવસે ફરી આરોપી દુકાને પહોંચી કિશન સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. આખરે કંટાળીને ફરિયાદીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય આરોપીઓ સામે મારામારી, ધમકી, તોડફોડ અને ખંડણી ઉઘરાવવાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
શહેરમાં સતત વધી રહેલી આવી ઘટનાઓને લઈને હવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સામાન્ય વેપારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


