શહેર એસઓજીની ટીમે જંગલેશ્ર્વરની ગેંગને દબોચી પીસ્ટલ, વર્ના કાર, કારતુસ સહિત રૂ.5.52 લાખનો મુદામાલ જપ્ત
(આઝાદ સંદેશ),રાજકોટ: ગોકુલધામમાં છેડતી મુદે મહિના પૂર્વે થયેલી ધમાલનો ખાર રાખી તાજેતરમાં જ જામીન ઉપર મૂક્ત થયેલ પેંડા ગેંગના સાગરિત ઉપર જંગલેશ્ર્વરની મુરગાની ગેંગે ફાયરીંગ કરતા ચકચાર મચી જવા પામી છે યુવકને સાથળમાં ગોળી ખુપી જતા તાલુકા પોલીસે હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિતનો ચાર સામે ગુનો નોંધ્યો હતો.બનાવના પગલે ક્રાઈમ બ્રાન્ચ તથા એસઓજીએ ટીમે તપાસમાં ઝપાલાવ્યું હતું અને એસઓજીએ બાતમી આધારે હીસ્ટ્રીશીટર સહિત ત્રણ શખસોને દબોચી કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ શહેરના ગોંડલ રોડ પર આવેલ પુનીતનગર કર્મચારી સોસાયટીમાં રહેતાં પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઈ બડદા ઉ.24એ સમીર ઉર્ફે મુરગો, સોહીલ ભાણો, સોહીલનો ભાઈ નવાઝ અને એક અજાણ્યા સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે ગઈકાલે પરેશ સહિતના પાંચ મિત્રો કાર લઈ જસદણ રોડ પર આવેલ માતાજીના મંદિરે દર્શન કરવાં ગયાં હતાં. જ્યાંથી મોડી રાત્રીના પરત આવી સવારે 5 વાગ્યે પુનિતનગરના ટાંકા પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યારે પ્રથમ સફેદ કલરની વર્ના કાર ત્યાંથી નીકળી હતી અને પરત આવી તેમાંથી ઉતરેલા એક શખ્સે રિવોલ્વર કાઢી પ્રથમ હવામાં ફાયરિંગ કર્યું હતું અને બાદમાં પરેશ જોવાં જતાં તેના પર બીજો રાઉન્ડ ફાયરિંગ કરતાં તેને સાથળના ભાગે ગોળી ઘુસી ગઈ હતી ઈજાગ્રસ્ત પરેશને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલે ખસેડાયો હતો.
અગાઉ પરેશને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તે યુવતીને હાલ સોહિલ સાથે પ્રેમ સંબંધમાં છે એક માસ પૂર્વે ઉતરાયણના દિવસે પોતે મિત્રો સાથે ગોકુલધામ કવાટર પાસે ગયા ત્યાં માથાકુટ થતા સોહીલને મારકુટ કરી હતી જે અંગે ફરીયાદ નોંધાતા ધરપકડ થઈ હતી અને 5 દિવસ પૂર્વે જ જેલમુક્ત થયો હતો તેનો ખાર રાખી ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.તાલુકા પીઆઈ હરિપરા સહિતે આર્મસ, હત્યાની કોશીષ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દરમ્યાન એસ. ઓ.જી.પીઆઈએસ.એમ.જાડેજા સહિત ટીમે સીસીટીવી ફુટેજ તેમજ બાતમી આધારે કુખ્યાત હીસ્ટ્રીશીટર સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ, અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા સહિત ત્રણ શખસોને દબોચી પીસ્ટલ, કારતૂસ, કાર સહિત રૂ.5.52 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.