બિમારી સબબ બે મહિલા અને એક પુરૂષ તેમજ પ્રસુતીની પીડા ઉપડવાના કારણે સગર્ભાએ દમ તોડ્યો : સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી વોર્ડ તેમજ દર્દીઓના મૃત્યુ બાદ પીએમ રૂમ સતત ધમધમતો રહ્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં યમરાજનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ એકજ રાતમાં હાર્ટ એટેકથી પાંચ તેમજ અકસ્માત અને આપઘાતથી ચાર-ચાર મળી કુલ-17 લોકોના મોત નીપજ્યા છે. આ સત્તર મોતના કારણે સિવિલ હોસ્પિટલનો પીએમ રૂમ સતત ધમધમતો રહ્યો હતો. આપઘાત તેમજ એટેક અને અકસ્માત ઉપરાંત બિમારી સબબ બે મહિલા તથા એક પુરૂષ અને એક પ્રસુતાની પીડા ઉપડવાના કારણે સગર્ભાને સિવિલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવતા તેમણે સારવારમાં દમ તોડી દીધો હતો. મળતી માહિતી મુજબ કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પર રહેતાં મંજુબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.53) ઘરે એકાએક બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. તેઓ જલારામ હોટેલમાં વાસણ સફાઈનું કામ કરી પરિવારને મદદરૂ કરતા હતા. સંતાનમાં બે પુત્ર છે. પતિ રિક્ષા હંકારે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં જામનગર રોડ સ્લમ ક્વાર્ટરમાં રહેતાં આરએમસીના નિવૃત કર્મચારી ધનજીભાઈ ગોવિંદંભાઈ વાઘેલા (ઉ.વ.55) રાતે સાડા દસેક વાગ્યે જામનગર રોડ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન સામે કનૈયા હોટલ ખાતે ચા પીવા ઉભા હતાં ત્યારે ચા પીતાં પીતાં ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કર્યા હતાં. હાર્ટએટેક જીવલેણ નીવડયો હતો. અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને બે
દિકરા છે.
ત્રીજા બનાવમાં મોચીબજાર શ્રધ્ધાનંદ હરિજનવાસમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં કમલેશભાઈ વિનુભાઈ સોલંકી (ઉ.વ.46) રાતે બેભાન થઈ જ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત જાહેર કરાયા હતાં. તેમને પણ હાર્ટએટેક આવી ગયો હતો. તેઓ ચાર બહેન અને ત્રણ ભાઈમાં નાના હતાં.
ચોથા બનાવમાં પારેવડી ચોક સદગુરૂધામ એપાર્ટમેન્ટમાં રહેતાં અને રહેણાંક ધરાવતાં નીતીનભાઈ લક્ષ્મીદાસ કેસરીયા (ઉ.વ.58) રાતે બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. તેઓ બારદાનના વેપારી હતાં. પાંચ ભાઈ અને એક બહેનમાં વચેટ હતાં. હાર્ટએટેક તેમના માટે જીવલેણ સાબીત થયો હતો.
પાંચમા બનાવમાં કોઠારીયા મેઈન રોડ ઉપર ઘનશ્યામનગરમાં રહેતા ઠાકરશીભાઈ ગોબરભાઈ ખસીયા (ઉ.વ.57) રાતે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતા હતાં. તેઓ ત્રણ બહેન, અને ચાર ભાઈમાં મોટા હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજને જણાવ્યું હતું.
બીમારી સબબ અને પ્રસુતીની પીડાથી સગર્ભાનું મોત
છઠ્ઠા બનાવમાં કોઠારીયા તિરૂપતી સોસાયટી 5/10ના ખુણે પ્રણામી હોલ સામે રહેતાં દયાબેન આશિષભાઈ સોલંકી (ઉ.વ.36)ને પ્રસુતિની પીડા ઉપડતાં હરિ ધવા રોડની આદિત્ય હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ રાતે તેમનું મૃત્યુ થયુ હતું. ભક્તિનગરના એએઅસાઈ વાય. સી.જરગેલાએ કાર્યવાહી કરી હતી.
સાતમા બનાવમાં રૈયાધાર સરકારી શાળા સામે સ્લમ ક્વાર્ટરમાં રહેતાં વીણાબેન શૈલેષભાઈ ભટ્ટ (ઉ.વ.49)ને કેન્સરની બિમારી હોઈ સારવાર માટે દાખલ રાયા હતાં. અહિ તેમનું મોડી રાતે મૃત્યુ થતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. મૃતકના પતિ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
આઠમા બનાવમાં ઘંટેશ્ર્વર સનરાઈઝ પ્રાઈમ ખાતે રહેતાં ભુમિકાબેન મેહુલભાઈ ઠાકર (ઉ.વ.39) કેન્સરની બિમારીને લીધે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં દાલખ કરાયા હતાં. અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. તેમના પતિ સીએનસી ઓપરેટર છે જ્યારે કે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
નવમા બનાવમાં ગાંધીગ્રામ 150 રીંગ રોડ પર લક્ષ્મીછાંયા સોસાયટી-1માં રહેતાં સુરેશભાઈ મગનભાઈ વાળા (ઉ.વ.54) ઘરે બિમારીથી બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં રાતે મૃત્યુ થયું હતું. તેઓ પાંચ ભાઈ અને એક બહેનમાં નાના હતાં અને સિલાઈ કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે.
દસમા બનાવમાં વેલનાથપરામાં લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતાં હરદેવભાઇ પરમાર (ઉ.વ.35) ગઈકાલે પોતાના ઘરે હતાં ત્યારે કોઈ કારણોસર ટાઉનશીપના
સાતમા માળેથી નીચે ઝંપલાવી દેતા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને ક્યાં કારણોસર તેને પગલું ભર્યું તે અંગે તપાસ આદરી હતી.
પુત્રીને મળી પરત જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતાં મોત
અગિયારમા બનાવમાં મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા જેન્તીભાઈ છગનભાઈ ટાંક નામના 65 વર્ષના વૃદ્ધ ગઈકાલે પોતાનું બાઈક લઈ રાજકોટથી મોરબી જતા હતા ત્યારે કાગદડી પાસે પહોંચતા જેન્તીભાઈ ટાકે ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક જેન્તીભાઈ ટાંકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર ક2તા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેન્તીભાઈ ટાંક બે ભાઈ બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્રી છે. જેન્તીભાઈ ટાંક કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેન્તીભાઈ ટાંકની પુત્રી જાગૃતિબેન રાજકોટમાં બોલબાલા માર્ગ ઉપર આવેલ વાલકેશ્વર સોસાયટીમાં રહે છે જેન્તીભાઈ ટાંક પુત્રી જાગૃતિબેનના ઘરે આટો મારવા આવ્યા હતા અને આટો મારીને પરત ફરી રહ્યા હતા ત્યારે કાગદડી પાસે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બારમા બનાવમાં વઢવાણમાં રહેતી હસીનાબેન યુસુફભાઈ પરમાર નામની 42 વર્ષની પરિણીતા બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફારુકભાઈની રિક્ષામાં બેસી લીંબડી અને અંકેવાડીયા વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાચાલકે ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી હસીનાબેન પરમારને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો હતો.
તેરમા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની રૂખારામ ભીખારામ બેનીવાલ નામના 45 વર્ષના પ્રૌઢ ગઈકાલે રાજકોટમાં ગોંડલ હાઇવે ઉપર શાપર નજીક બપોરના સમયે અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ મૂળ રાજસ્થાનના વતની હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે રૂખારામ બેનીવાલ ટ્રક ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે રૂખારામ બેનીવાલ રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવવા અકસ્માત સર્જાયો હોવાની શંકા સેવાઈ રહી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચૌદમા બનાવમાં જય ખોડિયાર સોસાયટી પ્લોટ નં.90 માં રહેતાં શોભનાબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.58) ગઈ તા.11 ના તેમના પતિ સાથે બાઇકમાં બેસી જતાં હતા ત્યારે 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે અજાણ્યાં બાઇલ ચાલકે ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતી. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવથી પરીવારમાં શોક છવાયો હતો.
પંદરમા બનાવમાં પારેવડી ચોક ઇન્ઝી બેકરી પાસે ગંગેશ્વરમાં રહેતાં નઈમ હુસેનભાઈ (ઉ.વ.24) ગઈકાલે સાંજે પોતાના ઘરે હતાં ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ આદર્યો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
સોળમાં બનાવમાં કોઠારીયા રોડ ઉપર બ્રાહ્મણી હોલ પાછળ રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં મણીબેન કુરજીભાઈ સખીયા (ઉ.વ.80)એ માનસિક અસ્વસ્થતાને કારણે બે દિવસ પહેલા અગાસીએ સાડીનો ઢગલો કરી સળગાવી સળગતી સાડી પોતાના શરીરને અડાડતાં દાઝી ગયા હતાં. સારવારમાં આજે વહેલી સવારે મોત થયું હતું. આજીડેમ -પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકને એક દિકરો અને બે દિકરી છે.
સત્તરમા બનાવમાં બેડી ચોકડી નજીક મેલડી માતાના મંદિર પાસે અજાણ્યા આશરે 55 વર્ષના પ્રૌઢે લીમડાના ઝાડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.