મૃતક રાણાપ્રતાપ (ઉ.વ.46) દ્વારકાના વાડીનારમાં પ્રાઇવેટ કંપનીમાં વિઝીટ કરી પરત જવા માટે હીરાસર એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા
(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરમાં જામનગર રોડ પર ટીજીએમ હોટેલ પાસે ઇનોવા કાર પલટી જતા પ્રાઇવેટ કંપનીના સુપ્રીટેન્ડન્ટનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પડધરી પોલીસે તપાસ કરતા મૃતક આધેડ દ્વારકાના વાડીનારમાં કંપનીની વિઝીટ કરવા માટે મુંબઇથી આવ્યા હતા અને પરત મુંબઇ જવા માટે કંપનીની કારમાં બેસી રાજકોટ હીરાસર એરપોર્ટ જતા હતા તે દરમિયાન અલ્ટો કારમાં પંચર પડતા રોડ પર ઉભી હોય તેને બચાવવા જતા કંપનીના કાર ચાલકે કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હોવાનું તેમજ ચાલકને પણ ઇજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી માહિતી મુજબ મુંબઇની જોડર પ્રાઇવેટ કંપનીમાં સુપ્રીટેન્ડન્ટ તરીકે નોકરી કરતા રાણાપ્રતાપ દેવનારાયણસિંહ (ઉ.46) તા.15ના રોજ તેની કંપનીની કારમાં બેસી દ્વારકાના વાડીનારથી રાજકોટ હીરાસર એરપોર્ટે જતા હતા ત્યારે જામનગર રોડ પર આગળ જતી કારમાં પંચર પડતા કારચાલકે અચાનક બ્રેક મારી ઉભી રાખી દીધી હોય તેને બચાવવા જતા ઇનોવા કાર પલટી જતા રાણાપ્રતાપ કારમાંથી બહાર ફંગોળાઇ જતા તેમજ કારચાલક જામનગર રહેતા ગજેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.48)ને ઇજા થતા બંન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાણાપ્રતાપનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પડધરી પોલીસ મથકના જમાદાર અગ્રાવત સહીતના સ્ટાફે તપાસ કરતા મૃતક આધેડ મુંબઇ પ્રાઇવેટ કંપનીમાં સુપ્રીટેન્ડન્ટ હોવાનું અને દ્વારકા કંપનીમાં વિઝીટ કરવા આવ્યા હતા અને પરત મુંબઇ જવા માટે હીરાસર એરપોર્ટ જવા માટે કંપનીની કારમાં જતા હતા ને આ બનાવ બન્યાનું પરિવારે જણાવતા પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.