શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકોમ્યુનિટી હોલ કોને સોંપવા ? : પાંચ વર્ષથી ત્રણ કોમ્યુનિટી હોલ બંધ...

કોમ્યુનિટી હોલ કોને સોંપવા ? : પાંચ વર્ષથી ત્રણ કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં !

વાવડીમાં મનસુખભાઇ છપીયા આવાસ યોજના, સ્માર્ટ સિટીના લાઇટ હાઉસ અને પોપટપરામાં શિવાજી ટાઉનશીપમાં બનેલા કોમ્યુનિટી હોલની સોંપણીના વિવાદ વચ્ચે મનપા પાંચ વર્ષથી કોમ્યુનિટી હોલના ભાવ નિર્ધારણ કરી શકતી નથી..!

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી ગરીબોના લાભાર્થે બનાવવામાં આવેલી આવાસ યોજનાની સાથે જે તે વિસ્તારના નાગરિકોન ેતેમના વિસ્તારમાં કોમ્યુનિટી હોલની સુવિધા મળી રહે તે માટે આવાસ યોજનાના પરિસરમાં જ બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલનો કબજો પોતાને સોંપી દેવા આવાસ યોજનાના લાભાર્થીઓની માગણી વચ્ચે મહાનગરપાલિકા છેલ્લા પાંચ વર્ષથી કોમ્યુનિટી હોલના ભાવ નિર્ધારણ કરી શક્યું નથી. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, આ મુદ્દે આવાસ યોજના વિભાગ કે તેના અધિકારીઓ પદાધિકારીઓ સાથે વાતચિત કરીને પ્રશ્ર્ન હલ કરવાને બદલે આ મુદ્દો લટકતો રાખીને મહાનગર પાલિકાને આર્થિક નુકસાન કરી રહ્યા છે સાથોસાથ નાગરિકોને ઘર આંગણે મળનારી સુવિધા પણ છીનવી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાવડીમાં મનસુખભાઇ છપીયા આવાસ યોજના એક વર્ષ પહેલા, સ્માર્ટસિટીના લાઇટ હાઉસ ત્રણ વર્ષ પહેલા અને પોપટપરાની છત્રપતિ શિવાજી ટાઉનશિપની 2018માં એટલે કે, છ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. આ આવાસ યોજના સાથે આસપાસના વિસ્તારોના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે કોમ્યુનિટી હોલ પણ આવાસ યોજના સાથે બનાવવામાં આવ્યા છે. પણ, આ ત્રણેય સ્થળે આવાસની ફાળવણી થઇ ગઇ એ પછી, કોમ્યુનિટી હોલ કોના ? તે મુદ્દે વિવાદ ઉભો થયો છે. આવાસ યોજનામાં આ કોમ્યુનિટી હોલ બન્યા હોવાથી આવાસ લાભાર્થીઓ કોમ્યુનિટી હોલ પોતાની માલિકીનો હોવાનો અને તેની આવક માત્ર આવાસનું સંચાલન કરતા એસોસિએશનને મળવી જોઇએ અથવા તો આવાસના લાભાર્થીઓ માટે જ આ કોમ્યુનિટી હોલ હોવા જોઇએ તેવી માગણી કરી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકા એવો દાવો કરી રહી છે કે, કોમ્યુનિટી હોલ પ્રજાના પૈસામાંથી પીપીપી યોજના હેઠળ બન્યા છે. આથી, જે આવક થાય તે કોર્પોરેશનની જ ગણાય. આવાસ યોજનામાં કોમ્યુનિટી હોલ બન્યા હોવાથી માત્ર આવાસના લાભાર્થીઓ સિવાય અન્ય વિસ્તારના નાગરિકોને હોલ ન મળે એ વાત ગેરવ્યાજબી છે. વળી, કેટલીક આવાસ યોજનામાં હજી એસોસિએશન પણ બન્યા નથી આથી, આવાસના લાભાર્થીઓ માટે જ જો આ કોમ્યુનિટી હોલ અનામત રાખવાનું નક્કી થાય તો તેની આવકના હિસાબ કિતાબ રાખવાની જવાબદારી કોની ? આવા અનેક મુદ્દાઓ હોવાથી આ કોમ્યુનિટી હોલનું ભાવ બાંધણું થઇ શકતું નથી.
સુત્રો એવું પણ કહે છે કે, શહેરમા જેટલાં કોમ્યુનિટી હોલ બન્યા તેનું ભાડા સહિતનું તમામ સંચાલન વર્ષોથી મહાનગરપાલિકા જ કરે છે. આવાસ યોજનાની સાથે કોમ્યુનિટી હોલ બનાવાયા એનો અર્થ એવો નથી કે આવા કોમ્યુનિટી હોલ માત્રને માત્ર આવાસ યોજનાના લાભાર્થીઓ માટે જ છે ! જે વિસ્તારમાં આવાસ યોજના બની તે વિસ્તારના નાગરિકોને સસ્તા ભાડા સાથે સુવિધાજનક કોમ્યુનિટી હોલ મળે તે માટે આવાસ યોજનાની સાથે કોમ્યુનિટી હોલ બનાવવાની યોજના અમલમાં મુકાઇ હતી. પણ, લાંબા સમયથી આ વિવાદ ચાલતો હોય મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલનું ભાવ બાંધણું કરી શકતી નથી. આ કારણે સુવિધા હોવાછતા નાગરિકોને ઘર આંગણે સુવિધા મળતી નથી.

બે આવાસ યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ ર્ક્યુ હતુ !

મહાનગરપાલિકા દ્વારા વાવડીમાં બનાવાયેલા મનસુખભાઇ છપીયા આવાસ યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાન મોદીએ ર્ક્યુ હતુ અને આ આવાસ યોજનાના લાભાર્થી મહિલા સાથે વાતચિત કરીને રાજકોટના ગાંઠિયાને યાદ ર્ક્યા હતા ! આવી જ રીતે સ્માર્ટ સિટીમાં બનેલા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાન મોદીએ જ ર્ક્યુ હતું.

પોપટપરા આવાસ યોજના 2018માં બની ત્યારથી વિવાદ ચાલે છે !

મહાનગરપાલિકા દ્વારા પોપટપરામાં 2018માં છત્રપતિ શિવાજી ટાઉનશીપ સાથે કોમ્યુનિટી હોલ બનાવાયો છે. ત્યારથી આ કોમ્યુનિટી હોલ કોનો ? તેનો વિવાદ ચાલી રહ્યો છે. આવાસ યોજનાના લાભાર્થીઓ કોમ્યુનિટી હોલ પોતાને સોંપી દેવા માંગણી કરી રહ્યા છે. અને મહાનગરપાલિકા નિયમાનુસાર આ માગણી પુરી કરી શકે તેમ નથીે. આથી પાંચ વર્ષથી કોમ્યુનિટી હોલનું ભાડું નક્કી થઇ શક્યુ નહોય બીન ઉપયોગી પડ્યો છે ! આવી જ હાલત સ્માર્ટ સિટીમાં ત્રણ વર્ષ પહેલા લાઇટ હાઉસ સાથે બનેલા કોમ્યુનિટી હોલની અને એક વર્ષ પહેલા વાવડીમાં બનેલા મનસુખભાઇ છપીયા કોમ્યુનિટી હોલની છે. આ ત્રણેય હોલ ભાવ બાંધણાના અભાવે બીન ઉપયોગી પડ્યા હોય મહાનગરપાલિકાને આર્થિક નુકસાની સહન કરવી પડી રહી છે.

સંતોષનગર વાવડી અને કોઠારિયામાં કોમ્યુનિટી હોલ બનશે: સંતોષનગરની કામગીરી પુર્ણતાના આરે

મહાનગરપાલિકા દ્વારા સંતોષનગરમાં બની રહેલા કોમ્યુનિટી હોલની કામગીરી પુર્ણતાના આરે છે. અને સંભવત: એપ્રિલમાં પુર્ણ થઇ ગયા બાદ તેના ભાવ નક્કી કરવામાં આવશે. આવી જ રીતે વાવડીમાં એક જ કોમ્યુનિટી હોલમાં ત્રણ યુનિટ બનાવાશે. આ યુનિટ પણ આવાસ યોજનામાં જ હોય ભાવ નક્કી કરતા પહેલા આવાસ યોજના વિભાગનો અભિપ્રાય લેવો પડશે. જ્યારે વોર્ડ નં. 18માં કોઠારિયામાં રૂ. 14,91,63,666ના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા ટેન્ડર બહાર પડાયા છે. આ સ્થળે બે માળના કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન છે. જેમાં પહેલા માળે લગ્ન સહિતના સમારોહ માટે અને બીજા માળે રસોડાની સગવડતા ઉભી કરવામાં આવશે. એક માળે ઍદાજે 2500 ચોરસફૂટનું બાંધકામ કરાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર