શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં મંડળીના ચેરમેને નોકરીના બહાને મૈત્રી કરાર કરી બિલખા પંથકની યુવતી સાથે...

રાજકોટમાં મંડળીના ચેરમેને નોકરીના બહાને મૈત્રી કરાર કરી બિલખા પંથકની યુવતી સાથે દૂષ્કર્મ આચર્યું

27 વર્ષની યુવતીને સંબંધીના ઘરે પ્રસંગમાં મળેલા પરાગ સોલંકી (ઉ.વ.45) સાથે સંપર્ક થયા બાદ મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીમાં નોકરી અપાવી’તી : યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીધા બાદ વૈશાલીનગર તેમજ કણકોટમાં આવેલા મકાનમાં શારીરિક સંબંધ બાંધી લીધા : ત્રાસ આપતા યુવતીએ નોકરી છોડી દેતાં અન્ય સ્થળેથી પણ નોકરી છોડાવી : ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અટક કરાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ : જૂનાગઢ પંથકની યુવતીએ રાજકોટના રૈયા રોડ પરની વૈશાલીનગર સોસાયટીમાં આવેલ મેસન ક્લબ ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના ચેરમેન વિરૂદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીને સંબંધીના પ્રસંગમાં વૈશાલીનગરના શખસ સાથે કોન્ટેક થયા બાદ તેની મંડળીમાં નોકરીએ લાગી હતી. જો કે, ત્યાં નોકરીના કરારના બદલે મૈત્રી કરારમાં સહી કરાવી લીધા બાદ યુવતીને પોતાના વૈશાલીનગર અને કણકોટ ખાતેના મકાને લઇ જઇ દૂષ્કર્મ આચરતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી શખસને અટકમાં લીધો છે. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ભોગ બનનાર 27 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતી હતી. એક વખત ધાર્મિક પ્રસંગે રાજકોટમાં સંબંધીને ત્યાં આવી હતી ત્યારે પરિચિત મહિલાને નોકરીની વાત કરી હતી. જેથી મહિલાએ આરોપી પરાગ અનિલભાઇ સોલંકી સાથે વાત કરી હતી. પરિણામે આરોપીની ઓફીસમાં ઇન્ટરવ્યુ દેતા આરોપીએ રૂા.8 હજારનો પગાર નક્કી કર્યો હતો. સાથોસાથ 11 માસના કરાર પર લોન એક્ઝીક્યુટીવ તરીકે નોકરી પર રાખી હતી. તે સાથે જ તે રાજકોટમાં પીજી તરીકે રહેવા આવી ગઇ હતી. તેને આરોપી જુદી જુદી કામગીરી સોંપતો હતો. ધીરે ધીરે આરોપીએ મીત્રતા કેળવી કહ્યું હતું કે, તું ખુબ જ હોશિયાર છો, મારે જૂનાગઢમાં મંડળીની બીજી ઓફીસ ચાલુ કરવી છે, જેમાં તને 50 ટકા હિસ્સો આપીશ, તું મને ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે, મારે મારા પત્ની સાથે ઝઘડા ચાલે છે, તેને છુટાછેડા આપી આપણે લગ્ન કરી લેશું. જો કે, તેણે લગ્ન કરવાની ના પાડી હતી. એક દિવસ આરોપી મકાનમાં ભાડા કરારની જરૂર છે તેમ કહી કોઇ વકીલ-નોટરી પાસે લઇ ગયો હતો. જ્યાં તેની પાસે સહી કરાવી હતી. બાદમાં આરોપીએ તેને એવું કહ્યું હતું કે આપણે ભાડા કરાર નહીં પરંતુ મૈત્રી કરાર કર્યા છે. ત્યારપછી આરોપી કાલાવડ રોડ ખાતે બેલવ્યુ રીસોર્ટ ફ્લેટમાં લઇ ગયો હતો. જ્યાં તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંઘ્યો હતો. આરોપી તેનો બોસ હોવાથી નોકરીમાંથી કાઢી મુકશે તેવા ડરથી કોઇને આ બાબતે જાણ કરી ન હતી. આ પછી આરોપીએ તેને મંડળીમાં બેસાડી મંડળી સિવાયનું બીજું કામ પણ બતાવી વૈશાલીનગરમાં આવેલા તેના મકાનમાં લઇ જઇ ત્યાં પણ શારીરિક સંબંધ બાંઘ્યો હતો. થોડા દિવસો બાદ તેને ખબર પડી હતી કે આરોપીની બીજી મંડળી મનીધારા સોસાયટી 150 ફુટ રીંગ્ રોડ પર કોર્પોરેટ લીમીટેડમાં આવેલી છે. જ્યાં પણ આરોપીએ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંઘ્યા છે. આ વાત આરોપીને કરતા ગુસ્સે થઇ તેને બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. આખરે 2023ના જાન્યુઆરી માસમાં તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં પોતાના વતન જતી રહી હતી. બીજી નોકરી ન હોવાથી ફરીથી રાજકોટ આવી આરોપીના પર્સનલ કામ કરવાનું શરૂ કર્યું હતું. જે કામ 6 મહિના તેણે કર્યું હતું. તે દરમિયાન પણ આરોપીએ અવાર નવાર તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંઘ્યો હતો એટલું જ નહીં આરોપી અવાર નવાર ધમકી આપતો હોવાથી કંટાળીને નવી નોકરી માટે અરજી કરી હતી. એક ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી મળી જતા આરોપીએ ત્યાંના સિનિયર અધિકારીને કોલ કરી તેને નોકરીમાંથી કઢાવવાના પ્રયત્નો કર્યા હતા. જે બાબતે આરોપી વિરૂદ્ધ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં આરોપીએ તેને ફોસલાવી સમાધાન કરી લીધું હતું. નોકરીમાં તેણે આરોપીને મંડળીનું અનુભવનું સર્ટીફીકેટ રજૂ કર્યું હતું. આરોપીએ તેની કંપનીમાં પોતે આ સર્ટીફીકેટ નહીં આપ્યાનું કહી નોકરીમાંથી કઢાવી નાખી હતી. ત્યારપછી આરોપીએ તેને કહ્યું કે તારે હું કહું એટલું જ કામ કરવાનું છે. જે બાબતે આરોપી સાથે ફોનમાં ઝઘડો થયા બાદ વાલીઓને આપવીતિ જણાવી આરોપી વિરૂદ્ધ પોલીસ કમિશ્ર્નર કચેરીમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર