એરપોર્ટ રોડ મારૂતિનગરમાં તાહેરાબેન ચિકાણી (ઉ.વ.48)એ મારૂતિનગર-2માં આવેલો ફ્લેટ લેવા માટે બિલ્ડર રણજીત વશિષ્ટ સાથે સોદો કરી અડધી રકમ ચૂકવી દીધી : સોદો નક્કી થયા બાદ અશાંતધારો આવતા રણજીતે હું જોઇ લઇશ કહી બાકીની રકમ મેળવી લીધી : છેલ્લે કબજો મેળવતી વખતે ખબર પડી કે ફલેટ પર લોન બોલે છે અને દસ્તાવેજ પણ બેંકમાં છે : પ્ર.નગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ આદરી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના જૂના એરપોર્ટ રોડ ઉપર રહેતા વ્હોરા પરિવારની મહિલા સાથે રૂ.37 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાને મારૂતિનગર વિસ્તારમાં ફલેટ લેવો હોય જેથી ત્યાંના બિલ્ડર સાથે સંપર્ક થયા બાદ એક ફલેટનો સોદો કર્યો હતો પરંતુ તે દરમિયાન વિસ્તારમાં અશાંતધારો લાગુ પડી જતાં બિલ્ડરે આ અંગે જોઇ લેવાનું કહી દીધા બાદ પુરેપુરી રકમ ચુકવી દીધી હતી. પરંતુ જ્યારે ફલેટનો કબજો મેળવાયો ત્યારે માલૂમ પડ્યું હતુ કે, આ ફલેટનો અગાઉ જ દસ્તાવેજ થઇ ગયો હતો અને તેના ઉપર હાલ લોન ચાલુ છે. જેથી આ અંગે પ્ર-નગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ હતી.
તાહેરાબેને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જાન્યુઆરી-2020માં મને તથા મારા પતિને જમીન મકાનના દલાલ શબ્બીરભાઇ ત્રવાડી મારૂતિનગર-2 નટરાજ ગોલાવાળી શેરીમાં મોદક એપાર્ટમેન્ટમાં આવેલો ફલેટ નં. 301 બતાવવા લઇ ગયેલ. આ એપાર્ટમેન્ટ રણજીત વશિષ્ટના નામે હતો. તેના માણસ સંજય ટાંકે જે તે વખતે અમને મકાન બતાવ્યું હતું. આ મકાન અમને પસંદ આવતાં અમે સુથી પેટે રણજીત વશિષ્ટને એરપોર્ટ રોડ પર આવેલી સાઇટ ખાતે તા. 10/2/20ના રોજ રૂા. 5300 રોકડા આપ્યા હતાં. આ સુથી આપી ત્યારે સંજય ટાંક અને દલાલ શબ્બીર ત્રવાડી પણ હાજર હતાં.
આ વખતે રણજીત વશિષ્ટે મને તથા મારા પતિને કહેલુ કે આ ફલેટની હાલની બજાર કિમત 37,50,000 ગણાય છે. આથી અમે તે રકમ કટકે કટકે આપવાનું નક્કી કર્યુ હતું. થોડા દિવસમાં જ દસ્તાવેજ કરી આપશે તેવી તેણે ખાત્રી આપી હતી. ત્યારબાદ અમે તા. 24/2/20ના રોજ રૂા. 5 લાખ ચેકથી આપ્યા હતાં. એ પછી ફરી 10 લાખ, 5 લાખ અને બીજા 5 લાખ સંજય ટાંકની હાજરીમાં આપ્યા હતાં. એ પછી અમને રણજીત વશિષ્ટે ફલેટની ચાવી આપી દીધી હતી. જેથી અમે ડિસેમ્બર-2020માં આ ફલેટમાં રહેવા માટે જતાં રહ્યા હતાં.
ત્યારબાદ અશાંતધારો લાગુ પડતાં રણજીત વશિષ્ટને અમે કહેલું કે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ પડી ગયો છે તો દસ્તાવેજ કઇ રીતે થશે? જેથી તેણે કહેલુ કે તમે ચિંતા ન કરો હું બધુ જોઇ લઇશ. થોડા સમય પછી અમે ફરીથી રણજીતને દસ્તાવેજ કરી આપવાનું કહેતાં તેણે તેના સંબંધી જે અમારા પણ સંબંધી હોઇ તેવા લલીત શાહી અને અનંત રાજા મારફત કહેલુ કે બાકી રહેતું પેમેન્ટ કરી દો. જેથી અમે તા. 5/2/21ના રોજ રૂા. 4 લાખ ચેકથી અને 8 લાખ મળી કુલ 12 લાખ ચુકવી દીધા હતા. આ રીતે અમે કુલ 37,05,300 આપી દીધા હતાં. પરંતુ આજ સુધી રણજીત વશિષ્ટે અમને દસ્તાવેજ કરી આપ્યો હતો.
તપાસ કરતાં અમને એવી પણ ખબર પડી હતી કે રણજીતે આ ફલેટ પર લોન લીધેલી છે અને હાલ લોન પણ ચાલુ છે. ફલેટનો દસ્તાવેજ હાલ બેંકમાં જમા છે. આથી અમે તેને દસ્તાવેજ ન થાય એમ હોય તો અમારુ પેમેન્ટ પાછુ આપી દેવા કહ્યું હતું. જો કે તેણે દસ્તાવેજ ન કરી આપી ફલેટની અમે ચુકવેલી રકમ પણ પાછી આપી ન હોઇ છેતરપીંડી થયાનું જણાતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તાહેરાબેને કહેતાં પ્ર.નગર પીઆઇ પી. આર. ડોબરીયાની રાહબરીમાં એએસઆઇ કે. બી. રાઠોડે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ ડી. પી. ગોહેલે હાથ ધરી છે. ફરિયાદી તાહેરાબેન હાલ હાઉસવાઇફ છે અને તેમના પતિ કરિયાણાના વેપારી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે વિશેષ તપાસ યથાવત રાખી છે.