અગાઉ ચુનારાવાડમાં પરણેલી અને ત્રણ વર્ષ પૂર્વે છૂટાછેડા લીધેલ ભારતી સાથરિયા (ઉ.વ.23)ને મૂળ ચોટીલા પંથકના અને હાલ સાત હનુમાન પાસે રહેતા સંજય મકવાણા (ઉ.વ.35)એ હુશેની ચોકમાં સવારે છરીના ઉપરાછાપરી ઘા મારતા હોસ્પિટલમાં ખસેડાઇ : પોલીસ પકડી લેશે તેવી બીકે પોતાના પેટમાં પણ છરી ભોંકી લીધી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં પરમ દિવસે મોડી રાત્રે સામાકાંઠાના આર્યનગરમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે ત્યારે આજે જંગલેશ્ર્વરમાં એક ત્યક્તાને છરીના ઘા ઝીંકી ધરાર પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ જંગલેશ્ર્વરની રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં-12માં રહેતી ભારતીબેન અશોકભાઇ સાથરિયા (ઉ.વ.23) આજે સવારે 11 વાગ્યાના અરસાએ હુશેની ચોકમાં મરઘી વેંચતી હોય ત્યારે મૂળ ચોટીલા તાલુકાના ચીરોડ ગામના વતની અને હાલ સાત હનુમાનની સામે રંગીલા સોસાયટીમાં રહેતા સંજય વિનોદભાઇ મકવાણા (ઉ.વ.35)એ આવી માથાકૂટ કરી છરીના આડેધડ ઘા ઝીંકી દેતા ત્યાં જ ઢળી પડી હતી જેથી લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન સંજયે પણ પોતાને પોલીસ પકડી લેશે અથવા સ્થાનિકો માર મારશે તેવી બીકે પોતાના પેટમાં છરીના ત્રણ ઘા ભોંકી લીધા હતા જેથી તે પણ લોહીલુહાણ થઇ જતાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો જેમાં પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ભારતીના લગ્ન અગાઉ ચુનારાવાડમાં થયા હતા. ત્રણ વર્ષ પૂર્વે તેણે છૂટાછેડા લઇ લીધા હતા અને હાલ તે માતા સવિતાબેન તેમજ બીજી બે બહેનો ભાવુ, ભારતી અને રેખા સાથે રહે છે. તે હુશેની ચોકમાં મરઘી વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે કે, સંજય બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો અને અપરિણીત છે. તે રાજકોટમાં બંગળીનું કામ કરે છે. સંજયની પૂછપરછ દરમિયાન તે દસેક વર્ષથી ભારતીને પ્રેમ કરે છે તેવું રટણ રટતો હતો. હાલ આ બન્નેની હાલત ગંભીર હોય ભક્તિનગર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.