કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા તેમજ કોમલબેન ભારાઇએ ઓચિંતી ઢોર ડબ્બાની મુલાકાત લેતાં મામલો સામે આવ્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાપાલિકાનાં ઢોર ડબ્બામાં આજે એક જ દિવસમાં 10 જેટલા પશુઓના મોત નીપજ્યાનું સામે આવ્યું છે. જો કે, મહાપાલિકાના ચોપડે માત્ર 6 જ પશુઓના મોત બતાવવામાં આવ્યા છે. આ અંગેનો આક્ષેપ કોંગ્રેસના નેતા અને પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસ કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇ દ્વારા આજે ઢોર ડબ્બાની સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન આ ઢોર ડબ્બામાં 532ની કેપેસિટી સામે 1045 જેટલા પશુઓ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. આ ઉપરાંત તપાસ કરતા આજે એક જ દિવસમાં 10 પશુઓના મોત થયાનું જાણવા મળ્યું હતુ જેની સામે મહાનગરપાલિકાના ચોપડે માત્ર 6 જ પશુઓના મોત બતાવવામાં આવ્યા હતા.
વધુમાં વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ આક્ષેપ લગાવ્યો હતો કે, આ ઢોર ડબ્બામાં જીવદયા ટ્રસ્ટ દ્વારા પશુઓને પુરતો ઘાસચારો આપવામાં આવતો નથી ઉપરાંત જે ઘાસચારો અપાય છે તે ધૂળવાળો હોય છે ઉપરાંત ડબ્બામાં ભારે ગંદકી જોવા મળે છે. ઢોર ડબ્બામાં ભુખમરા અને પશુઓના પેટમાં માટી જવાના કારણે તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ત્યારે આ મામલો મહાપાલિકામાં પહોંચતા મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતુ કે, ઢોર ડબ્બામાં જે પશુઓને પકડીને લાવવામાં આવે છે તે મોટાભાગે બિમાર હોય છે આ ઉપરાંત શહેરમાં કચરો આરોગતી વખતે પ્લાસ્ટિક ખાવાના લીધે પશુઓમાં મોતનું પ્રમાણ વધુ જોવા મળે છે.
જીવદયા ટ્રસ્ટે ઢોર ડબ્બાનું સંચાલન છોડવા અરજી કરી
બીજી બાજુ આ પ્રકરણમાં આજીડેમ ખાતે આવેલ ઢોર ડબ્બાનું સંચાલન કરતા જીવદયા ટ્રસ્ટ દ્વારા આ ઢોર ડબ્બાના સંચાલનમાંથી મુકત કરવા માટેની મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવામાં આવી છે. અગાઉ તેમના દ્વારા મૌખિક રજૂઆત બાદ ગત તા.27ના રોજ આ અંગે લેખીત રજૂઆત કરાઇ છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, 750થી વધુ પશુઓના મોત બાદ તેમના ઉપર થયેલા આક્ષેપોના કારણે તેમના દ્વારા આ ઢોર ડબ્બાનું સંચાલન છોડવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, અત્યાર સુધી જે બિમાર પશુઓ ઢોર ડબ્બામાં આવતા હતા તેમને બચાવવાનો પુરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં પશુઓને આપવામાં આવતુ ઘાસ પણ ઉત્તમ કવોલેટીનું ઉપયોગ કરવામાં આવ્યું છે. દાતાઓ દ્વારા તેમને આપવામાં આવતા દાન અંગેનો રેકોર્ડ પણ જીવદયા ટ્રસ્ટ દ્વારા મહાપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.