સોમવાર, નવેમ્બર 23, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટલગ્નના છ મહિનામાં જ રાજકોટની પરિણીતાને ત્રાસ, પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

લગ્નના છ મહિનામાં જ રાજકોટની પરિણીતાને ત્રાસ, પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

​‘તું કરીયાવરમાં કાંઈ લાવી નથી’ કહી માર માર્યાનો આક્ષેપ, મેંદરડા તાલુકાના લીલવા ગામના રહેવાસીઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

રાજકોટ : ​રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય પરિણીતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫, ૧૧૫(૨) અને ૫૪ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ઘરકામ અને કરીયાવર મુદ્દે મેણાં ટોણાં મારી માર માર્યાના આક્ષેપ બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

​કોઠારીયા સોલવન્ટના રાધાનગર શેરી નં. ૪ ખાતે હાલ માતા-પિતાના ઘરે રહેતી શાનિયાબેન અસ્લમભાઈ શાંધ (ઉં.વ. ૨૦) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન તા. ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના લીલવા ગામે રહેતા અસ્લમભાઈ હમીદભાઈ શાંધ (ઉં.વ. ૨૪) સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. શરૂઆતના થોડા દિવસો સંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિએ ‘મારે તારી સાથે લગ્ન કરવા ન હતા, પરંતુ માતા-પિતાના કહેવાથી કર્યા છે’ તેમ જણાવી વાતચીત ઓછી કરી દીધી હતી અને સંબંધોમાં અંતર ઊભું થયું હતું.

​ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર, પતિ અસ્લમભાઈ, સસરા હમીદભાઈ ઓસમાણભાઈ શાંધ (ઉં.વ. ૫૦) અને સાસુ હલુબેન હમીદભાઈ શાંધ (ઉં.વ. ૪૮) નાની-નાની વાતોમાં ઘરકામ બાબતે અવારનવાર હેરાન કરતા હતા. પરિવારજનો દ્વારા એકવાર સમાધાન કરાવવામાં આવ્યા બાદ પરિણીતા પરત સાસરે ગયા હતા. જોકે, ત્યારબાદ પણ સાસરિયાંઓએ ‘તું કરીયાવરમાં કાંઈ લાવી નથી’ તેવા મેણાં ટોણાં મારી ઉગ્ર ઝઘડો કર્યો હતો અને પરિણીતાને શારીરિક તથા માનસિક રીતે દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

​ઝઘડા દરમિયાન પતિએ ઢીકાપાટુનો મૂઢ માર મારી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. બનાવ અંગે જાણ થતા પરિણીતાના સગા તેમને રાજકોટ ખાતે પિયર પરત તેડી લાવ્યા હતા. છેલ્લા છ મહિનાથી પિયરમાં રહેતી પરિણીતાને પતિ ન તો છૂટાછેડા આપતા હતા કે ન તો પરત તેડી જતા હતા. આખરે તા. ૨૨/૧૧/૨૦૨૬ ના રોજ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા આસી. સબ ઇન્સ્પેક્ટર દિલીપસિંહ જાદવે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર