રાજકોટ : રાજકોટના કોઠારીયા રોડ પર નિલકંઠ પાર્ક નજીક ચંદ્રપ્રભા બિલ્ડીંગમાં રહેતાં અને કાર લે-વેંચનો ધંધો કરતાં રજનીશભાઈ શાંતિલાલ પાલા (ઉ.વ.૪૦) નામના યુવાને પોલીસ કમિશનર કચેરી નજીક ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
રજનીશભાઇ બે ભાઇમાં મોટા છે અને સંતાનમાં બે દિકરા છે. તેમણે જણાવ્યું હતું કે મારે કાર લે-વેંચનો ધંધો હોઇ મેં નડીયાદના અનીલભાઈ અને રાજકોટ રહેતાં તેના ભાણેજ અમિતને એક થાર કાર વેંચી હતી. આ બંનેએ ગાડીના કાગળો તો પોતાના નામે કરાવી લીધા હતાં પરંતુ મને આપવાની થતી રકમ આપી નહોતી. આ અંગેનું લખાણ કરાવતાં હું ભુલી ગયો હોઇ તેના કારણે મને કાર કે પૈસા ન અપાતાં મેં ભક્તિ નગર પોલીસમાં અરજી કરી હતી. પીઆઇશ્રીએ અરજીની તપાસ ચોકીના સ્ટાફને સોંપી હતી અને તુરંત કાર્યવાહી કરી કાર પરત અપાવવા સુચના આપી હતી.
પરંતુ ચોકીના સ્ટાફના જે કર્મચારી પાસે તપાસ હતી તેણે પીઆઇ સાહેબનો આદેશ હોવા છતાં અરજીની ગંભીરતાથી તપાસ ન કરી મારી કાર કે પૈસા પાછા અપાવવા કાર્યવાહી ન કરતાં ન્યાયની માંગણી સાથે હું પોલીસ કમિશનર કચેરીએ આવ્યો હતો અને દવા પી ગયો હતો. પ્ર.નગર પોલીસે શરજનીશભાઈનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.


