રાજકોટ : રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે સાયબર ફ્રોડના બે ગંભીર ગુનાઓમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર ચાલી રહેલા આરોપીને ગોંડલના ભરૂડી ટોલનાકા પાસેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ગ્રામ્ય એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરી હેઠળ પોલીસ ટીમ સતત તપાસમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોંડલના ભરૂડી ટોલનાકા પાસેથી સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ એવા મયુર રાયસંગ ધરજીયા (ઉ.વ. 28, રહે. મોટી પરબડી, તા. ધોરાજી) ને દબોચી લીધો હતો.
પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે પકડાયેલ આરોપી વિરુદ્ધ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ અંગેના કુલ બે ગુના નોંધાયેલા છે. આ બંને ગુનાઓમાં તે છેલ્લા આઠ માસથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. હાલમાં ગ્રામ્ય એલસીબીએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને વધુ તપાસ અર્થે ગોંડલ તાલુકા પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર સફળ ઓપરેશનને પાર પાડવામાં એલસીબીના પીએસઆઈ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા અને અનિલભાઈ ગુજરાતી સહિતનો પોલીસ સ્ટાફ સક્રિયપણે જોડાયો હતો.


