ગુરુવાર, ઓગસ્ટ 27, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓગસ્ટ 27, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં 75 વર્ષીય વૃદ્ધાને 'ડિજિટલ એરેસ્ટ' કરી રૂ. 55.50 લાખ પડાવાયા

રાજકોટમાં 75 વર્ષીય વૃદ્ધાને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી રૂ. 55.50 લાખ પડાવાયા

શાસ્ત્રી મેદાન સામે ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં ગીતાબેન ભાયાણી (ઉ.વ.75)ને એક અઠવાડીયું ફિઝિકલ એરેસ્ટ કરી પૈસા પડાવતા રહ્યા : આરોપીઓએ વધુ રૂ.41 લાખ માંગતા દંપતીએ એફડી તોડાવતા મુંબઈ રહેતી પુત્રીને જાણ થતા જ તેને રાજકોટ સાયબર ક્રાઇમને ફરિયાદ કરતા જ પોલીસે તુરંત જ વૃદ્ધ દંપતીના ઘરે દોડી જઇ તેઓનું કાઉન્સેલિંગ કરી રૂ.41 લાખ ફ્રોડમાં જતાં અટકાવ્યા, ગુનો નોંધી બેંક એકાઉન્ટની તપાસ આદરી

​રાજકોટ : રાજકોટ શહેરના પંચનાથ-5માં આવેલ ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધા ગીતાબેન ભૂપતરાય ભાયાણી અને તેમના પતિને ટાર્ગેટ બનાવી સાયબર માફિયાઓએ રૂ. 55.50 લાખની મરણમૂડી પડાવી લેતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયબર ક્રિમિનલોએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપીને વૃદ્ધ દંપતીને સાયબર આતંકવાદ જેવા અત્યંત ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનો ભય બતાવ્યો હતો. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને ગત તા. 18ના રોજ વોટ્સએપ કોલ મારફતે દંપતીનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નામે બનાવટી અને કૂટલેખિત દસ્તાવેજો મોકલીને વૃદ્ધાને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ લીધા હતા અને સતત એક અઠવાડિયા સુધી તેઓને પોતાના ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખીને માનસિક દબાણ હેઠળ રાખ્યા હતા. આ ભયના ઓથાર હેઠળ સાયબર માફિયાઓએ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. 55.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

​જે બાદ પણ લોભી સાયબર માફિયાઓની ભૂખ સંતોષાઈ ન હતી અને તેમણે દંપતી પાસે વધુ રૂ. 41 લાખની માગણી કરી હતી. પોતાની તમામ મરણમૂડી અને બચત સાયબર ઠગોને ટ્રાન્સફર કરી ચૂક્યા હોવાથી, આ વધુ રકમની વ્યવસ્થા કરવા માટે વૃદ્ધ દંપતીએ પોતાની ફિક્સ ડિપોઝિટ તોડવાનું નક્કી કર્યું હતું.

આ અંગે તેમણે મુંબઈ ખાતે રહેતી પોતાની પુત્રીને જાણ કરી હતી. પુત્રીને સમગ્ર વાતમાં શંકા જતાં અને માતા-પિતા સાથે કંઈક અજુગતું થઈ રહ્યું હોવાનો ખ્યાલ આવતાં તે તુરંત સજાગ બની હતી. તેણે વિલંબ કર્યા વગર રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાના વૃદ્ધ માતા-પિતા છેલ્લા એક અઠવાડિયાથી ડિજિટલ એરેસ્ટ હેઠળ હોવાની અને મોટા પ્રમાણમાં રકમ ગુમાવી ચૂકી હોવાની તમામ વિગતો પોલીસને પૂરી પાડી હતી.

​ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ સાયબર ક્રાઈમ પીઆઈ એસ. ડી. ફૂલતરીયા, પી. આર. ડોબરીયા અને એમ. ડી. ગઢવી સહિતની સાયબર ક્રાઈમની વિશેષ ટીમે ત્વરિત ધોરણે કામગીરી હાથ ધરી હતી. પોલીસ ટીમે તાત્કાલિક વૃદ્ધ દંપતીના ઘરે પહોંચીને તેઓનો સંપર્ક કર્યો હતો અને અત્યંત ડરેલા દંપતીનું યોગ્ય કાઉન્સેલિંગ કરીને તેઓને સાયબર માફિયાઓના ભયમાંથી અને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા. પોલીસની આ સમયસૂચકતા અને ઝડપી કાર્યવાહીના કારણે વૃદ્ધ દંપતીના વધારાના રૂ. 41 લાખ સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થતાં અટકી ગયા હતા.

​આ સમગ્ર મામલે ભોગ બનનાર ગીતાબેન ભાયાણીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર ધરાવતા અને અજાણ્યા બેંક એકાઉન્ટ ધારક સાયબર ઠગો સામે આઈટી એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી છે. હાલ પોલીસે જે બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને ડિજિટલ એરેસ્ટની આ મોડસ ઓપરેન્ડી આચરનાર ગઠિયાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર